અમદાવાદમાં ઇમ્પોર્ટેડ પીસ્ટલ તેમજ દેશી પીસ્ટલ સાથે ફોર્ચ્યુનર કારમા સવાર હિતુભા સહિતના પાંચ શખ્સોને ATSએ પકડયા મોરબી : મોરબીમાં માથાભારે મુસ્તાક મીરની હત્યાના આરોપી અને મુસ્તકના ભાઇ આરીફ મીર ઉપર ફાયરિંગ કેસમાં વોન્ટેડ શનાળાના હિતુભા ઝાલા સહિતના પાંચ આરોપીઓ અમદાવાદમા ઇમ્પોર્ટેડ પીસ્ટલ તેમજ દેશી પીસ્ટલ સાથે ફોર્ચ્યુનર કારમા બોપલ તરફ જઈ રહ્યા હતા. તે વેળાએ એટીએસે પાંચેય શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.આરીફ મીરને મારી નાખવા હિતુભાએ બે શાર્પશૂટર સહિતના ચાર શખ્સો હથિયાર સાથે રાખ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મળતી વિગત મુજબ મોરબીમાં મુસ્તાક મીરની હત્યાના આરોપમાં ઝડપાયા બાદ હિતુભા પેરોલ પરથી ફરાર હતા. અને ત્યાર બાદ મુસ્તાક મીરના ભાઇ આરીફ મીર પર ફાયરિંગ થવાના કેસમાં સંડોવાયેલા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતા. ત્યારે એટીએસની ટીમે બાતમીના આધારે અમદાવાદમા શાંતીપુરા સર્કલથી બોપલ તરફ જવાના રસ્તે ડી કૅથલોન સ્પોર્ટ્સની દુકાન પાસે નાકાબંધી કરીને કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કાર અટકાવી તેમાં બેઠેલા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ વિજયસિંહ જાડેજા, ખુમાનસિંહ રઘુવીરસિંહ જાડેજા, અંગ્રેજ ભવાનીપ્રસાદ ચૌધરી અને જીતેન્દ્રકુમાર રામવિલાસ મોર્યાને પકડી પાડ્યા હતા. આ દરમીયાન એટીએસની ટીમે હિતુભા પાસેથી 9 એમ.એમ.ની ઇમ્પોર્ટેડ પીસ્ટલ તેમજ 8 કારતુસ અને ઘનશ્યામસિંહ પાસેથી દેશી પીસ્ટલ અને 5 કારતુસ ઝડપી પાડ્યા હતા. આરીફ મીર સાથે જૂની અદાવત હોય તેને મારી નાખવા માટે હિતુભાએ ઉત્તરપ્રદેશના બે શાર્પશૂટર અંગ્રેજ અને જિતેન્દ્ર તેમજ બે સ્થાનિક શખ્સોને હથિયાર સાથે પોતાની સાથે રાખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ આ મામલે આગળની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.