છેલ્લા દોઢ વર્ષથી ગરીબ લોકોને ભોળવી રૂ. ૫૦૦ થી હજારના ભાવે ડોક્યુમેન્ટ મેળવી લઈને બનાવતી હતી બોગસ સિરામિક પેઢી : સીએના વિદ્યાર્થી સહિતના આઠેય આરોપી તબક્કાવાર ફુલપ્રુફ પ્લાનિંગ સાથે પોતપોતાનું કામ કરતા 'તા મોરબી : મોરબીમાં ૧૬ જેટલી બોગસ સિરામિક પેઢી ઉભી કરી સતર કરોડથી વધુની જીએસટી ચોરી કરવા પ્રકરણમાં એસઓજી ટીમે આઠ આરોપીઓને ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ પ્રકરણમાં સીએના વિદ્યાર્થી સહિતના આઠેય આરોપી તબક્કાવાર ફુલપ્રુફ પ્લાનિંગ સાથે પોતપોતાનું કામ કરતા હતા. ગરીબ લોકોને ભોળવીને તેની પાસેથી રૂ. ૫૦૦થી ૧૦૦૦ના ભાવે ડોક્યુમેન્ટ લઈને બોગસ પેઢીઓ બનાવતા હતા. બાદમાં આ બોગસ પેઢીઓ તેઓ રૂ. ૫૦થી ૭૦ હજારના ભાવે વેચી દેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય વેરા અધિકારી-૧ દ્વારા મોરબી પોલીસ વિભાગને ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં સામાન્ય નાગરિકો પાસેથી ડોકયુમેન્ટ તથા ફોટા મેળવી સરકારનો વેરો નહિ ભરવાના ઇરાદાથી અગાઉથી ગુનાહિત કાવત્રુ રચી રાજન ટાઇલ્સ, લેરીકસ સીરામીક, ઓમકાર સીરામીક, વીનસેન્ટ સીરામીક, હેસ્ટન સીરામીક, ડેલફાઇન સીરામીક, લેવોર્ડ સીરામીક, વીલીયમ સીરામીક, વોલ્ગાસ સીરામીક, ક્લાસિક સીરામીક, કુમકુમ સીરામીક, સેલોની સીરામીક, સેમ્ય સીરામીક, ક્રિષ્ના સીરામીક, કેરોન સીરામીક, મોસ્કો સીરામીક નામની પેઢી ઉભી કરી સરકાર સાથે સત્તર કરોડથી વધુની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધવાઈ હતી. વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કે કૌભાંડિયાઓ દ્વારા સાધારણ નાગરિકને ખોટા બહાના હેઠળ ભોળવી તેમના ડોકયુમેન્ટનો ઉપયોગ કરી ખોટી પેઢી બનાવી જે ખોટી પેઢીનું નામનું ઇ-મેઇલ આઇ.ડી.બનાવી જે ઇ-મેઇલ આઇ.ડી.નો ઉપયોગ કરી તેમના ડોક્યુમેન્ટ તથા ફોટોગ્રાફ અપલોડ કરી તેઓના નામથી જી.એસ.ટી.નંબર મેળવી જે જી.એસ.ટી.નંબર આધારે રૂ. ૯૮ કરોડની રકમના કુલ ૩૮૫૨ ઇ-વે બીલ જનરેટ કરી કુલ વેરો રૂ.૧૭,૭૬,૬૦,૫૫૬ સરકારની તીજોરીમાં નહિ ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુન્હાહિત કાવતરૂ રચીને ઠગાઇ કરી સરકારને આર્થિક નુકશાન પહોચાડી અને સાધારણ માણસોના ડોકયુમેન્ટનો દુર ઉપયોગ કરી ગુનો કર્યો હોવાનું જણાવાયું હતું. ફરિયાદના પગલે એસઓજીની ટીમે તપાસ આદરી આ કામના આરોપી મુસ્તાક અકબરભાઇ જામ રહે. માળીયા મીયાણા જી.મોરબી ગુલામરસુલ હૈદરભાઇ જામ ઉવ.૨૮ રહે. માળીયા મીયાણા, કિશન જસાભાઇ કાનગડ ઉવ.૨૬ રહે. જસાપર તા.માળીયા મિયાણા, હાર્દિક પ્રફુલભાઇ કટારીયા ઉવ.૨૯ રહે.બોનીપાર્ક, મોરબી , રવિ દિલીપભાઇ ઓઝા ઉવ.૩૦ રહે. મોરબી , વિપુલ ધનજીભાઇ ફુલતરીયા ઉવ.૩૪ રહે. મોરબી, દર્શિત પ્રવિણભાઇ મેવાડા ઉવ.૨૨ રહે. મોરબી અને ધર્મેન્દ્ર દિલીપભાઇ અજાણા ઉવ ૨૫ રહે.ધુનડા સજજનપર તા.જી.મોરબી વાળાની ધરપકડ કરી છે. આ આઠેય શખ્સોની તપાસમાં ખુલ્યું હતું કે આ ટોળકી તબક્કાવાર કામ વેચીને સમગ્ર કૌભાંડને અંજામ આપતી હતી. જેમાં મુસ્તાક અને ગુલામ રસુલ બન્ને મજૂરો સહિતના ગરીબ વ્યક્તિઓને પોતાની વાતોમાં ભોળવીને તેની પાસેથી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના ભાવે ડોક્યુમેન્ટ કલેકટ કરવાનું કામ કરતા હતા. બાદમાં તે પાનનો ગલ્લો ચલાવતા કિશનને આ ડોક્યુમેન્ટ આપી દેતા હતા. બાદમાં કિશન આ ડોક્યુમેન્ટ સીએના વિદ્યાર્થી હાર્દિકને આપતો હતો. હાર્દિક ડોક્યુમેન્ટના આધારે જીએસટી નંબર મેળવી ડોક્યુમેન્ટ કિશનને પરત સોંપી દેતો હતો. બાદમાં રવિ અને વિપુલ તેના આધારે બિલ જનરેટ કરવાનું કામ કરતા હતા. જ્યારે દર્શીત અને ધર્મેન્દ્ર બોગસ પેઢી વેચવાનું કામ કરતા હતા. તેઓ બોગસ પેઢી રૂ. ૫૦ થી ૭૦ હજારની કિંમતે વેંચતા હતા. તમામ શખ્સો મળીને આ કૌભાંડ ચલાવતા હતા. જેનો મુખ્ય સૂત્રધાર પાનનો ગલ્લો ચલાવતો કિશન હતો. દોઢ અગાઉની ઘટનાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ગોરખધંધામાં તમામને કામ પ્રમાણે પૈસા દેવામાં આવતા હતા. સીએના વિદ્યાર્થી હાર્દિકને એક જીએસટી નંબર મેળવવાના રૂ. ૫ થી ૭ હજાર આપવામાં આવતા હતા. હાલ પોલીસે વધુ વિગતો મેળવવા આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાંની તજવીજ હાથ ધરી છે.