રાધા-કૃષ્ણના વેશમાં સજ્જ થઈ નાના બાળકોએ મટકી ફોડી નંદોત્સવ મનાવ્યો મોરબી : મોરબી ઘટક-2 ના ખાખરાળા સેજા હેઠળ આવતી ટીંબડી-2 આંગણવાડી કેન્દ્ર ખાતે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી અને નંદોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. બાળકો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી માહિતગાર થાય તેમજ ભગવાન કૃષ્ણના જીવનથી પરિચિત થાય તે હેતુથી આંગણવાડી કેન્દ્રને આકર્ષક રીતે શણગારીને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.જેમાં નાના ભૂલકાઓ ઉત્સાહભેર રાધા અને કૃષ્ણના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આંગણવાડી કેન્દ્ર પહોંચ્યા હતા અને પોતાના બાળસ્વરૂપથી સૌનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે ખાસ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાનુડાના સ્વરૂપમાં રહેલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બનાવી દીધું હતું. ઉજવણી દરમિયાન બાળકોને જન્માષ્ટમી પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું, જેથી તેમનામાં લોકપરંપરા અને તહેવારો પ્રત્યે સંસ્કારોનું સિંચન થઈ શકે.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને ભૂલકાઓ માટે જન્માષ્ટમીની ઉજવણીને યાદગાર બનાવવા ટીંબડી-2 આંગણવાડી કેન્દ્રના કાર્યકર દિવ્યાબેન તથા હેલ્પર વંદનાબેને ભારે જહેમત ઉઠાવી હતી. બાળકોએ હર્ષોલ્લાસભેર તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #Janmashtami #Anganwadi #Timbdi #KrishnaJanmotsav #Nandotsav