મોરબી : ચૈત્રી નવરાત્રી એ ધાર્મિક તહેવારની સાથે સમગ્ર માનવજાત માટે આત્મજાગૃતિ, આંતરિક ઉર્જા અને દિવ્ય શક્તિના સાક્ષાત્કારનો એક સુવર્ણ અવસર છે. આ નવરાત્રીમાં કરાયેલી સાત્વિક શક્તિની આરાધના મનુષ્યને અખૂટ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. આ પાવન અવસરે, મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટ પાછળ, લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલ એન્જલ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં ભવ્ય ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.અહીં પ્રતિદિન રાત્રે ૯:૦૦ કલાકે મહાઆરતી અને ત્યારબાદ ૯:૧૫ થી ૧૦:૩૦ સુધી આપણી સનાતન અને વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસ-ગરબાની ભવ્ય રમઝટ બોલાવવામાં આવે છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઊર્જાવાન બનાવી દે છે. આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આસપાસના વિસ્તારની દીકરીઓ અને માતૃશક્તિ (બહેનો) પારંપરિક અને પ્રાચીન વેશભૂષામાં સજ્જ થઈને ગરબાના તાલે આનંદથી ઝૂમી ઊઠે છે. પ્રાચીન વેશભૂષા અને અર્વાચીન રાસ-ગરબાનો આ સમન્વય આપણી ભવ્ય પરંપરાને જીવંત રાખવાનો અને તેને આજની નવી પેઢી સુધી સચોટ રીતે પહોંચાડવાનો એક અદભુત અને સરાહનીય પ્રયાસ છે.વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક મહાપાત્રના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ, આ વર્ષે ચૈત્રી નવરાત્રીના આ નવ દિવસોની ભવ્ય ઉજવણી માત્ર ભારતવર્ષ પૂરતી સીમિત રહી નથી. વિશ્વભરના અનેક દેશો, શહેરો, ગામો અને સોસાયટીઓ સુધી આ દિવ્ય મહોત્સવનો વ્યાપ વધ્યો છે.આ રીતે, માં વિશ્વંભરી તીર્થધામ સનાતન વૈદિક સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે એક મજબૂત સેતુરૂપ બનીને લોકજીવનને ધન્ય બનાવી રહ્યું છે. ગામો ગામ આવા અદભુત સાંસ્કૃતિક આયોજનના માધ્યમથી આ ધામ માત્ર ભારતમાં જ નહી, પરંતુ સમગ્ર વિશ્વમાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિને ગૌરવભેર ઉજાગર કરી રહ્યું છે.#Morbi #ChaitriNavratri #NavratriMahotsav #MorbiNews #MorbiUpdate #RasGarba #SanatanSanskriti