ધુનડા(ખાનપર) ગામના મુક્તિધામનું નવીનીકરણ પ્રસંગે અંધશ્રધ્ધા નિવારણ હેતુ ગામ સમસ્તની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા : મોરબી અપડેટ દ્વારા થયેલ એફબી લાઈવ કાર્યક્રમને હજારો લોકોએ મન ભરી માણ્યો મોરબી : ઘુનડા(ખાનપર) ગામે મુક્તિધામનુ નવીનીકરણનુ કાર્ય પૂર્ણ થતાં એ નિમિત્તે મુક્તિધામ ખાતે સુંદરકાંડના પાઠ અને દાંડિયા રાસ, જમણવારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૮/૪/૨૦૧૯ને રવિવારના રોજ સાંજે ૮ કલાકે આયોજિત સુંદરકાંડના પાઠનો લાભ લેવા સમસ્ત ઘુનડા (ખાનપર) ગામ તરફથી જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં અબાલ વૃદ્ધ સહિત સ્ત્રીઓએ પણ મોડી રાત સુધી સ્મશાનમાં હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો. ઉમિયા સેવા મંડળ કે જે ઢોલ ત્રાંસાની મંડળી છે અને ખાસ કરીને ગૌશાળા માટે ઘાસ એકત્રીકરણ અને વિતરણ સેવા કરે છે એ મંડળી દ્વારા પાછલા ૪ વર્ષોથી એકઠો કરવામાં આવેલ અંદાજે ૬૧ લાખના ફંડ ફાળામાંથી ધુનડા મુક્તિધામના આધુનિકીકરણ માટે ૩૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ રકમથી સ્મશાન ભૂમિને ભવ્ય અને પર્યટન સ્થળ જેવી રમણીય બનાવવામાં આવી છે. જેમાં સાડા ચાર મહિનાની મહેનત બાદ રમણીય ડુંગર અને મહાકાય શિવશંકરની મૂર્તિનું નિર્માણ કરાયું છે. સ્મશાનમાં આ ઉપરાંત વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપવામાં આવી છે. ચો તરફ આરોપિત હરિયાળી વચ્ચે બાંકડાઓ મૂકી સુંદર બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે. ઉમિયા સેવા મંડળ દ્વારા સ્મશાનની નજીકમાં આવેલ નદી કાંઠે એક શિવાલયનું નિર્માણ કાર્ય પણ પુર જોશમાં ચાલુ છે. ત્રીસ થી પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ થવા જઈ રહેલા શિવાલયનું કાર્ય આવનારા બે મહિનામાં સંપન્ન થવાની ધારણા રખાઈ રહી છે. ધુનડા(ખાનપર) ગામના મુક્તિધામને પર્યટનધામ જેવું બનાવાબાદ સ્મશાનમાં સુંદરકાંડ પાઠ અને દાંડિયા રાસ, જમણવારનું આયોજન થકી સમાજમાં વ્યાપ્ત અને ઘર કરી ગયેલી સ્મશાન પ્રત્યેની અંધશ્રદ્ધા દૂર કરવાનો સત્યુ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ હેતુ સર વિવિધ કાર્યક્રમો અંતર્ગત સ્મશાનમાં રહેલા અગ્નિસંસ્કાર આપવા માટેના લોખંડના ખાટલા પર બેસીને ગામના આગેવાનો અને ગ્રામજનોએ અલ્પાહાર કર્યો હતો. બાળકો તેમજ ગ્રામ્ય મહિલાઓના મનમાંથી સ્મશાન પ્રત્યેની ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધા નિવારણ હેતુ સમજણ આપવામાં આવી હતી. મનુષ્ય યોનિમાં જન્મ લીધા બાદ પુરી જિંદગી સમાજ અને પરિવાર વચ્ચે વિતાવીને માનવીનો અંતિમ વિસામો સ્મશાન જ હોય છે. સોળ સંસ્કારો પૈકી અંતિમ સંસ્કાર જ્યાં નિભાવવામાં આવે છે એ મરું ભૂમિ ક્યારેય અપવિત્ર કે ખરાબ જગ્યા ન હોય શકે એવો સંદેશો સમાજમાં આપવા માટેના આ કાર્યક્રમને 'મોરબી અપડેટ' દ્વારા ફેસબુક પર લાઈવ દર્શાવવામાં આવ્યો હતો. રેડીઓ જોકી (આર.જે.) રવિ બરાસરાએ આ કાર્યક્રમને લાઈવ કરતા હજારો લોકોએ ઘર બેઠા આ કાર્યક્રમ માણ્યો હતો. ધુનડા ગામના સરપંચ પ્રાણજીવનભાઈ જીવાણી, ત્રિકમજીભાઈ ડાહ્યાભાઈ, હિતેશભાઈ જીવાણી, ગણેશભાઈ જીવાણી, દામજીભાઈ, હિતેષભાઈ તેમજ ઉમિયા સેવા મંડળના પાંત્રીસેક જેટલા યુવાનો સહિતના મહેનતકશ લોકોની નિસ્વાર્થ સેવાથી સ્મશાનનું આધુનિકીકરણ શક્ય બન્યું છે. ત્યારે વિવિધ ગ્રામ્ય આગેવાનો અને કાર્યકરોએ મોરબી અપડેટને આ કાર્ય પાછળની ખંત અને મહેનત વર્ણવી હતી. ધૂનડા પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય જશવંતભાઈ કસુંદ્રાએ આ સમગ્ર કાર્યક્રમને પ્રસારિત અને પ્રચારીત કરવા બદલ મોરબી અપડેટ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.