મોરબી : મોરબી-માળિયા હાઈવે પર આજે ગૌરક્ષક ટીમો અને પોલીસ પ્રશાસનના સંયુક્ત ઓપરેશનમાં કતલના ઇરાદે લઈ જવાતા 15 અબોલ જીવોને બચાવી લેવામાં આવ્યા છે. કચ્છ તરફથી વાંકાનેર તરફ જઈ રહેલી શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડીને આંતરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીમળતી વિગતો મુજબ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને રાજકોટ ગૌરક્ષક ટીમ સહિતનાને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી એક બોલેરો પીકઅપ ગાડી (નંબર GJ-12-CT-8399) માં ક્રૂરતાપૂર્વક જીવો ભરીને માળીયા થઈ વાંકાનેર કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ સાથે એક અન્ય ગાડી (નંબર GJ-03-Z-7805) પાઇલોટિંગ કરી રહી હોવાની પણ માહિતી હતી.લક્ષ્મીનગર પાસે ફિલ્મી ઢબે ઓપરેશનબાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસ કાફલાએ મોરબી-માળીયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ગાડી આવતા જ તેને રોકીને ચેક કરતા તેમાં 15 જેટલા નાના પાડાઓને ઘાસ-પાણીની સુવિધા વગર, હલી-ચલી ન શકે તે રીતે ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જીવોને વાંકાનેર સિટીના ખાટકીવાસ વિસ્તારમાં કતલ માટે લઈ જવાતા હતા.3 આરોપીઓ સામે FIR અને જીવોને પાંજરાપોળ ખસેડાયાપોલીસે આ મામલે 3 આરોપીઓની અટકાયત કરી છે અને ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બચાવવામાં આવેલા તમામ 15 જીવોને તાત્કાલિક મોરબી પાંજરાપોળ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ મથકે ગૌરક્ષકો દ્વારા આ અંગે વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસનો ખૂબ સારો સહયોગ સાંપડ્યો હતો. આ ઓપરેશનમાં મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી-ગુજરાત) તેમજ રાજકોટ, લીંબડી અને ચોટીલાની ગૌરક્ષક ટીમો જોડાઈ હતી.