શહેરમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવના ભાવભીના આયોજનો : મૂર્તિઓની ખરીદીની ગ્રાહકીને પહોંચી વળવા માટે મૂર્તિકારો સજ્જ મોરબી : મોરબીમાં આગામી ગુરુવારે દુંદાળા દેવનું આગમન થશે. ત્યારે દુંદાળાદેવની ભક્તિ માટે ઠેર ઠેર ગણેશ મહોત્સવના ભાવભીના આયોજનો કરવામાં આવ્યા છે. હાલ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગણેશ મહોત્સવને લઈને ભવિકોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ત્યારે સામે મૂર્તિકારો પણ ગ્રાહકીને પહોંચી વળવા સજ્જ થયા છે. મોરબીના છેલ્લા એક દાયકાથી વિઘ્નહર્તાની ભક્તિનો મહિમા ખૂબ જ વધી રહ્યો છે. એક દાયકાથી ગણેશજીની ભક્તિનો એ હદે મહિમા વધ્યો છે કે શેરી ગલી તો ઠીક છે હવે ઘરે ઘરે ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં ગણેશ મહોત્સવ નજીક આવતા ગણેશ ભક્તો દ્વારા વિઘ્નહર્તાની ભક્તિ કરવાનો અનેરો ઉત્સવ છવાયો છે. આગામી ગુરુવારથી ગણેશ મહોત્સવનો શુભારંભ થનાર છે. ત્યારે લોકો દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવના નાના મોટા આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં રવાપર રોડ, શનાળા રોડ, કાયાજી પ્લોટ સહિતના તમામ વિસ્તારોમાં શેરી ગલીમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મોરબીના રામોજી ફાર્મ સામે આવેલ સપ્તપદી લોન્સ ખાતે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૩થી તા ૨૭ સુધી દરરોજ ગણેશજીની આરાધના કરવામાં આવશે. તા. ૧૩ના રોજ ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. તે સાથે વાજતે ગાજતે દરેક શેરી ગલિમા પંડાલો નાખીને વિઘ્નહર્તાની મૂર્તિઓનું સ્થાપન કરીને ૧૦ દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક ગણેશજીની ભાવ વંદના કરવામાં આવશે. જ્યારે રાજસ્થાનના કારીગરો ઘણા સમયથી શહેરના વિવિધ સ્થળોએ પડાવ નાખીને ગણેશજીની વિશાળ કદથી માંડીને નાની મોટી વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ કલાત્મક રીતે તૈયાર કરી રહ્યા છે. તેમાંથી ગણેશજીની ઘણી મૂર્તિઓ તૈયાર થઈ ચૂકી છે. અને લોકો આ મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. જ્યારે કારીગરો સંપૂર્ણ રીતે બની ગયેલી મૂર્તિઓને આખરી ટચ આપીને ગ્રાહકીને પહોંચી વળવા સજ્જ થયા છે. મળતી માહિતી મુજબ આ વખતે ગણેશ મહોત્સવમાં ગત વર્ષ કરતા ડબલ ગણી એટકે કે આશરે ૯ હજાર જેટલી મૂર્તિઓ તૈયાર થઈ છે. આ મૂર્તિઓ એક ફૂટથી માંડીને નવ ફૂટની છે. જે રૂ. ૨૫૦થી માંડીને રૂ. ૪૨ હજારના ભાવે વેચાઈ છે. ચોટીલા, અમદાવાદ અને જૂનાગઢ સહિતના શહેરોના અંદાજીત ૫૦૦ જેટલા મારવાડી કારીગરો દ્વારા બે માસની સખત મહેનતના અંતે આ મૂર્તિઓ તૈયાર થઈ છે. ૧૫૦ જેટલા વેપારીઓ દ્વારા પંડાલ નાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. આ અંગે વેપારી રામેશભાઈએ જણાવ્યું હતું કે આ વખતે અધિક માસ હોવાથી મૂર્તિઓ વધુ બની છે. ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો હોવા છતાં અત્યાર સુધી માત્ર ૩૦ ટકા જ મૂર્તિઓનું વેચાણ થઈ શક્યું છે. મારવાડી કારીગરોએ હજારો ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી છે. જેમાં બાહુબલી, લાલબાગ કા રાજા, શિવાજી, કાર્તિક, શેષનાગ સહિતના આકારની ગણેશજીની મૂર્તિઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. જો કે આ વખતે વિઘ્નહર્તાની મૂર્તિઓને જીએસટીનું વિઘ્ન નડયું છે. પીઓપી કલર સહિતના રો મટિરિયલ્સમાં જીએસટી લાગતા ગણેશજીની મૂર્તિઓમાં ૧૫ ટકાનો ભાવ વધારો થયો છે.