પોલીસકર્મીઓ,ફાયર બ્રિગેડના જવાનો અને પાલિકાના કર્મચારીઓની સરાહનીય કામગીરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો મોરબી : મોરબીમાં આજે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ૫૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ પાલિકા અને ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. મોરબીમાં ઠેર ઠેર આયોજિત ગણેશ મહોત્સવમાં આજે અંતિમ દિવસે ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા નિયત કરવામાં આવેલા વિસર્જન સ્થળોએ ભાવિકોએ વિસર્જનની વિધિ કરી હતી.બાદમાં પાલિકાની ટીમોએ આ મૂર્તિઓનું આરટીઓ પાછળ આવેલી ખાડીમાં વિસર્જન કર્યું હતું. કુલ ૫૦૦ જેટલી ગણેશજીની મૂર્તિઓનું ક્રેઇનની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન સ્થળે ૪૦ ફાયર બ્રિગેડના જવાનો તેમજ પાલિકાના કર્મચારીઓ ઉપરાંત ૪૦ જેટલા પોલીસકર્મીઓ અને ૬ આપદા મિત્રો તૈનાત રહ્યા હતા. શહેરમાં શાંતિમય વાતાવરણમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વગર ગણેશ વિસર્જન સંપન્ન થયું છે.