કલેક્ટર કચેરીના પ્યુનના આમંત્રણને માન આપી જિલ્લા કલેક્ટરે ગણેશ મહોત્સવમાં આપી હાજરી મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલા ગોકુળના બાલા હનુમાનજી મંદિર ખાતે ગોકુળ ઘુન મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગણપતિ મહોત્સવ માં આજે કલેક્ટર આર.જે. માકડીયાએ પધારીને વિઘ્નહર્તાના દર્શનનો લાભ લીધો હતો. મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના પ્યુન અને ગોકુળ ઘુન મંડળના સભ્ય યોગેશ બદરખિયાના આમંત્રણને માન આપીને જિલ્લા કલેક્ટર આર.જે માકડીયા બાલા હનુમાનજી મંદિર ખાતેના ગણેશ મહોત્સવમાં પધાર્યા હતા. જ્યાં તેઓએ ભગવાન ગણેશજીના દર્શન કર્યા હતા. આ તકે જિલ્લા કલેક્ટર ગોકુળ ધૂન મંડળની કામગીરીથી પ્રભાવિત થયા હતા અને યુવાનોને વ્યસન ન કરવાની સલાહ આપી હતી. જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે લોકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગોકુળ ધૂન મંડળ સારા નરસા પ્રસંગોમાં ધૂન કરીને ચકલાને ચણ, જરૂરિયાત મંદ દર્દીઓને સહાય, ગરીબ દીકરીઓને કરિયાવરમાં મદદ જેવી અનેક સેવાકીય પ્રવૃતિ છેલ્લા ઘણા વર્ષોથી કરે છે.