વોર્ડ નંબર -4ના ચૂંટાયેલા સદસ્યોએ લોકસેવાના કાર્યોનો શુભારંભ કર્યો : સ્થાનિકોએ ચીફ ઓફિસર અને સદસ્યોને ફૂલડે વધાવ્યા મોરબી : મોરબી શહેરમાં વિકાસથી વંચિત ગણાતી ગાંધી સોસાયટીમાં વિકાસ કામોના પ્રારંભે 1.09 કરોડના ખર્ચે ચાલીસ વર્ષ બાદ આંતરિક માર્ગો સીસીરોડથી મઢવાનો શુભારંભ થતા આ વિસ્તારના લોકોમાં હરખની હેલી આવી છે, ગઈકાલે વોર્ડ નંબર -4ના ચૂંટાયેલા સદસ્યોએ ચીફ ઓફિસરની હાજરીમાં સીસીરોડના કામનું ખાત મુહૂર્ત કરતા લોકોએ તમામનું ફૂલડે વધાવી અદકેરું સન્માન કર્યું હતું. મોરબી નગરપાલિકામાં વોર્ડ નંબર-4 હેઠળ આવતો ગાંધી સોસાયટી વિસ્તાર જાણે મોરબીના નક્શામાંથી બહાર હોય તેમ પાછલા ચાર-ચાર દાયકાથી અહીં કોઈ વિકાસ કામો થયા ન હતા બીજી તરફ અહીંથી તાજેતરમાં ચૂંટાયેલા ખરાઅર્થમાં લોક સેવક કહી શકાય તેવા ભાજપના સદસ્યોએ ચૂંટણી પૂર્વે જ આ વિસ્તારમાં પાકા રોડ રસ્તાનું વચન આપ્યું હતું અને સતા સ્થાને બિરાજતા જ પંદર દિવસના ટૂંકા ગાળામાં ગાંધી સોસાયટીની માંગ ને પ્રાયોરિટીમાં લઈ રૂપિયા 1.09 કરોડના ખર્ચે સિમેન્ટ રોડ બનાવવાનો પ્રારંભ કરાવ્યો છે. ગઈકાલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા તેમજ વોર્ડ નંબર 4 ના કાઉન્સિલરો ગિરિરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરાસરા, મનીષાબેન સોલંકી, જસવંતીબેન સિરોહીયા, તેમજ સ્થાનિક અગ્રણી દસુભા ઝાલા હરિભાઈ રાતડીયા સહિતનાઓની હાજરીમા રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું. ચાર ચાર દાયકાઓ બાદ ગાંધી સોસાયટીમાં રોડ રસ્તા પાકા બનવાની શરૂઆત થતા સ્થાનિક અગ્રણી દેવસીભાઈ ભંખોડિયા, આશિષભાઈ ટૂંડિયા, દેવિકાબેન સહિતના લોકોએ પાલિકાના સદસ્યો, ચીફ ઓફિસરનો આભારમાની તમામનું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું.