ક્યાં હથિયારનો ઉપયોગ, અન્ય કોણ કોણની સંડોવણી ? તે અંગે સઘન પૂછપરછ કરાશે મોરબી : મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ રાજપૂત બારશાખ શેરીમાં તા. 20ને રવિવારે બપોરે બાઈક પાર્ક કરવા મુદ્દે રફીક મેમણ અને મમુ દાઢી જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ અને ઘાતકી હથિયારોથી હુમલો થતા ડબલ મર્ડરની ઘટના બની હતી. આ બનાવ બાદ બંને જૂથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. ખાટકીવાસમાં જૂથ અથડામણમાં બન્ને પક્ષના એક એક વ્યક્તિની લોથ ઢળી હતી.આ ડબલ મર્ડર કેસમાં સામસામી ફરિયાદ નોંધાઇ હતી.તેથી પોલીસે હવે બન્ને જૂથની સામસામી ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં પોલીસે ગઈકાલે તા. 24ના રોજ એક જૂથના છ આરોપીઓની ધરપકડ કર્યા બાદ છ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ગઈકાલે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ આજે પોલીસે સામેના જૂથના અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઇ કુરેશી, મકબુલ ઈસ્માઈલભાઈ મન્સૂરી, અહેમદ ઇકબાલભાઈ બકાલી અને શબ્બીરભાઇ મહમ્મદભાઇ જીવાણીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને રિમાન્ડ દરમ્યાન પોલીસ આ આરોપીઓની ક્યાં હથિયારનો ઉપયોગ, અન્ય કોણ કોણની સંડોવણી ? તે અંગે સઘન પૂછપરછ કરાશે.