પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સેવાભાવી કાર્યકરો સંમેલન યોજાયું મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે આવેલ શિશુમંદિર શાળમાં ભારતમાતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.અને આ ભારત માતાના મંદિરના ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાતાના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ગઈકાલથી પ્રારંભ થયો છે. જેના સંદભે કાર્યકર્તા સમેલન યોજાયું હતું.જ્યારે ભરતમાતાના મંદિર, શક્તિ પીઠ સાથે સરસ્વતી શિશુ મંદિર દેશનું પ્રથમ વિદ્યાલય બનશે અને મોરબીમાં ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉમંગ-ઉલ્લાસ જોવા મળ્યો હતો. મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ શકત શનાળા ગામે સરસ્વતી શિશુ મંદિરમાં ભારતમાતાના મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર ગુજરાતનું બીજું ભારતમાતાનું મંદિર છે. આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા.2 ફેબ્રુઆરીના રોજ યોજાશે.જોકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈકાલે તા. 29ને બુધવારના રોજ રાત્રીના સમયે થઈ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં સેવા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં વક્તા તરીકે કેન્દ્રીય ગૌ વિદ્યાપીઠના કુલપતિ ડો.શૈલેષભાઇ ભીંડે, અતિથિ તરીકે ડો.વી.સી.કાતરિયા ઉપસ્થિત રહીને સેવાભાવી કાર્યકરોની સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી.આ તકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને સેવાભાવી કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથેસાથે શૈક્ષણિક પ્રદર્શની યોજાયું હતું. તા.30ના રોજ રાત્રે 9 થી 11 દરમિયાન ઉદ્યોગપતિ સંમેલન યોજાશે. જેમાં વક્તા તરીકે મેરા સમર્થ ભારતના રાષ્ટ્રીય સંયોજક મનીષભાઈ મુંજલ તેમજ અતિથિ તરીકે પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયા અને મહેશભાઈ જીવાણી ઉપસ્થિત રહેશે. તા.31ના રોજ રાત્રે 9થી 11 સુધી શિક્ષક સંમેલન યોજાશે. જેમાં વક્તા તરીકે વિદ્યાભારતી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપજી બેતકેકર અને અતિથિ તરીકે રાજ્યના પ્રા.શિક્ષણ નિયામક ડો.એમ.આઈ.જોશી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી હાજર રહેશે. તા.31ના રોજ 3થી 6 અખંડ જ્યોત યાત્રા યોજાશે. જેમાં અંબાજી, પાવાગઢ, હર્ષદ, આશાપુરા, ચોટીલા અને શકત શનાળા આમ 6 મંદિરેથી અખંડ જ્યોત લાવીને 3 હજાર જેટલા ઘરોમાં તેને પ્રગટાવવામાં આવશે. જ્યારે તા. 1ના રોજ બપોરે 3થી 5 દાદા- દાદી સંમેલન યોજાશે. જેમાં વક્તા તરીકે પુરૂત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતિબેન કાટદરે અને અતિથિ તરીકે કિશોરભાઈ મૂંગલપરા તેમજ ભાવેશ્વરીબેન ઉપસ્થિત રહેશે. બાદમાં રાત્રીના 9 કલાકે પટેલ સમાજ વાડી ખાતે યોગેશદાન ગઢવીનો લોકડાયરો યોજાશે. જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને રશ્મિકાંતભાઈ દોશી ઉપસ્થિત રહેશે. બાદમાં તા. 2ના રોજ સવારે 10 કલાકે બાવન શક્તિપીઠનું અનાવરણ કરાશે. બપોરે 11 કલાકે ભારત માતાનું પૂજન, 12:39 કલાકે મહાઆરતી, સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. આ દરમિયાન સાંજે 4 કલાકે જાહેર સભા પણ યોજાશે. જેમાં વક્તા તરીકે રવીકુમાર ઐયર અને ડૉ.જયંતીભાઈ ભાડેશિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.