મોરબીમાં ફૂડ શાખાની ત્રણ સપ્તાહની ઝુંબેશ: ૯૦ પેઢીઓમાં તપાસ, ૧૨ને લાઇસન્સ વિના નોટિસ, ૧૫ થી ૨૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશમોરબી અપડેટ : મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા તા. ૩૧/૮ થી ૧૮/૯ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો, હોટલો, મીઠાઈ અને ફરસાણની અંદાજે ૯૦ પેઢીઓમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બેદરકારી જણાતા સંબંધિત વેપારીઓને નોટિસ પાઠવી નિયમો મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શનાળા રોડ, રવાપર રોડ, નાની વાવડી, મહારાણા પ્રતાપ સર્કલ, નવા બસ સ્ટેન્ડ, એસ.પી. રોડ, મોરબી-બાયપાસ રોડ, મહેન્દ્રનગર ચોકડી, મહેન્દ્રનગર, લાલબાગ, ધૂનડા રોડ, GIDC રોડ અને નગર દરવાજા પાસે ખાદ્ય પદાર્થોની તપાસ થઈ હતી. કુલ આશરે ૧૫ થી ૨૦ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.કઈ પેઢીમાં શું મળ્યું?ફૂડ શાખાની યાદી મુજબ:- આશરે ૯૦ પેઢીઓમાંથી ૧૨ પેઢીઓ પાસે લાઇસન્સ ન હોવાથી નોટિસ અપાઈ છે.- લાલબાગ પાસેની દિલ્લી સીતારામ હોટલમાં કીડીઓથી ભરેલા ગુલાબજામુન મળતા નોટિસ આપી તે જથ્થાનો નાશ કરાવાયો.- મોરબી-રાજકોટ હાઈવે પરની માધવ હોટલમાંથી વાસી ૨ કિલો ભાત, ૪ કિલો મંચુરિયન, ૨ કિલો ફ્રેન્ચ ફ્રાઈસ અને ફ્રેન્કી વગેરેનો નાશ કરી નોટિસ અપાઈ.- શનાળા-ધૂનડા રોડ પરની રાધાકૃષ્ણ ડેરી ફાર્મમાંથી વાસી ૬ છાસની થેલી અને ૧૦ દૂધની થેલીનો નાશ કરાયો.- નાની વાવડીની મોમાઈ ડેરી એન્ડ સ્વીટ્સમાંથી ૨ કિલો વાસી કચોરીનો નાશ કરી નોટિસ અપાઈ.- મહેન્દ્રનગરની ફાસ્ટ ફૂડની દુકાનોને રોજ તાજા શાકભાજી વાપરવા અને વાસી શાકભાજી બીજા દિવસે ન વાપરવા નોટિસ અપાઈ.- નવા બસ સ્ટેન્ડ પાસે જલારામ ભેળવાળાના વાસી બ્રેડના ૩ પેકેટનો નાશ કરાયો. નજીકના બર્ગર મોલમાંથી એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલું ઓરેગાનોનું પેકેટ અને નુટેલા ચોકલેટનો નાશ કરી નોટિસ અપાઈ.- GIDC રોડની ત્રણ મીઠાઈની દુકાનોને અસ્વચ્છ સ્થિતિ બદલ નોટિસ અપાઈ અને ૧ કિલો વાસી ચટણીનો નાશ કરાયો.- મહારાણા પ્રતાપ સર્કલ પાસે મહેન્દ્રભાઈ પેંડાવાળાને ત્યાં મીઠાઈમાં વાળ નીકળતા ૫૦૦ ગ્રામ મીઠાઈનો નાશ કરી નોટિસ પાઠવાઈ.દુકાનદારોને સૂચનાફૂડ શાખાએ નાની લારીઓ અને દુકાનોમાં ન્યૂઝ પેપરનો ઉપયોગ ન કરવા, એક જ તેલમાં વારંવાર તળવાનું ટાળવા અને સાફસફાઈ જાળવવા દુકાનદારોનું ધ્યાન દોર્યું છે.