આગની દુર્ઘટનાઓને પહોંચી વળવા માટે ફાયર બીગ્રેડને સશક્ત બનાવવા સ્ટેશન ઓફિસર, 12 ફાયરમૅન, વિભાગીય અધિકારી અને વહીવટી સહિત 21 સ્ટાફની નિમણૂક કરવા રાજ્ય સરકાર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી મોરબી : રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર વધુ ગંભીર બની છે અને સંભવિત આગની દુર્ઘટનાઓને પહોંચી વળવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે ઔધોગિક રીતે સમૃદ્ધ સીરામીક નગરી મોરબીમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવું પડે તે માટે ફાયર બ્રિગ્રેડને સશક્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને ફાયરના સઘનોની સાથે સ્ટાફ પૂરતો હોવો જરૂરી હોવાથી સરકારે આ દિશામાં પ્રયાસો હાથ ધરીને લાંબા સમયથી મોરબી ફાયર બ્રિગ્રેડના સ્ટાફમાં રહેલી ખાલી જગ્યાઓ ભરવાની ગતિવિધિ તેજ બનાવી દીધી છે. મોરબી ઉદ્યોગોનું હબ હોવાની સાથે હવે સિમેન્ટ કોંક્રેટનું જંગલ બની ગયું છે. જેમાં શહેરની અંદર અને બહાર બધી જ જગ્યાએ અનેક સાત કરતા વધુ માળની હાઈરાઈઝ બિલ્ડીંગો ખડકાઈ ગઈ છે. ઉપરના માળે આગ લાગે તો તેને કાબુમાં લેવા ફાયર બ્રિગ્રેડ સક્ષમ જ નથી. કારણ કે ફાયર બ્રિગ્રેડ પાસે ટાંચાના સાધનો અને ક્વોલિફાઇડ સ્ટાફનો અભાવ છે. મોરબી ફાયર બ્રિગ્રેડમાં સ્ટાફની વર્ષોથી ખાલી જગ્યાઓ છે. ત્યારે આ સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા અને સામાંકાંઠે નવું અલગથી ફાયર સ્ટેશન બનાવવાની વર્ષોથી માંગણી થઈ રહી છે. ત્યારે રાજકોટની અગ્નિકાંડની દુર્ઘટના પછી રાજ્ય સરકાર વધુ ગંભીર બનીને એક્શન મોડમાં આવતા આગામી સમયમાં મોરબીમાં અત્યાધુનિક સાધન સામગ્રીથી ભરપૂર ફાયર બ્રિગ્રેડ અને ક્વોલિફાઇડ સ્ટાફ મળવાની આશા પ્રબળ બની છે. ત્યારે રાજય સરકાર દ્વારા રાજ્યની એ,બી.સી ગ્રેડની નગરપાલિકામાં સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મોરબી સહિત રાજ્યની 32 નગરપાલિકામાં આ ભરતી થશે. મોરબી નગરપાલિકાની વાત કરીએ તો તેમાં ફાયરમેન, પમ્પ ઓપરેટર, ફાયર સ્ટેશન ઓફિસર, ફાયર વાયરલેસ ઓફિસર, લિડીંગ ફાયર મેન અને વિભાગીય ફાયર ઓફિસર, ક્લાર્ક સહિતનાં કુલ 21 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. અને તેની ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા તેની સીધી ઓનલાઇન અરજીઓ મંગાવવા આવી છે. આ ભરતી પ્રક્રિયા બાદ મોરબીની ફાયરનો વધુ ક્વોલિફાઇડ અને તાલીમબદ્ધ સ્ટાફ મળી શકશે. જેથી, આગજનીની ઘટનાઓ ઉપર ત્વરિત કાબુ મેળવી શકાય. મોરબી જીલ્લામાં મોરબી પાલિકા સૌથી મોટી પાલિકા હોવાથી ટંકારા અને માળીયા મી.ના વિસ્તારમાં પણ આગજનીની ઘટના બને તો ત્યાં સુધી મોરબીના ફાયર વિભાગને દોડવું પડે છે. જ્યાં અંતર વધુ થવાને કારણે ફાયર સ્ટાફ પહોંચે ત્યાં સુધીમાં મોટુ નુકસાન થઇ જતું હોય છે. પાલિકામાં વધુ એક ફાયર સ્ટેશનની વધુ ફાયર સ્ટાફ મળે તો આગની ઘટનામાં ત્વરિત પહોંચી વળી શકાય એમ છે. કયા-ક્યા સ્ટાફની ભરતી થશે? મોરબીમાં ફાયર વિભાગમાં માટે વિભાગીય ફાયર અધિકારી, ફાયર સ્ટેશન ઓફિસર, ફાયર વાયરલેસ ઓફિસર, ડ્રાઇવર કમ ફાયર પમ્પ ઓપરેટર, લિડિંગ ફાયરમેન, ફાયર મેન કમ ડ્રાઈવર સહિતની જગ્યા માટે ભરતી થશે. આ ભરતી થવાથી મોરબીને ક્વોલિફાઇડ અને તાલીમબદ્ધ સ્ટાફ મળશે. મોરબી જિલ્લામાં ફાયર વિભાગની સ્થિતિ મોરબી જિલ્લામાં 4 નગરપાલિકા અને 5 તાલુકા પંચાયત વિસ્તારમાં 10 લાખની વસ્તી સામે માત્ર ત્રણ પાલિકા પાસે જ ફાયરની સગવડતા છે. જેમાં મોરબી, માળીયા અને હળવદ પાલિકાનો સમાવેશ થાય છે. આ ત્રણેય પૈકી સૌથી વધુ જવાબદારી મોરબી ફાયર વિભાગમાં આવે છે કારણ કે મોરબી ફાયર વિભાગ મોરબી શહેર ઉપરાંત મોરબી ગ્રામ્ય માળિયા મિયાણા તેમજ ટંકારા તાલુકા વિસ્તારમાં કોઈપણ સ્થળે મોટી આગની ઘટના બને અથવા કેનાલ કે ડેમમાં ડૂબી ગયેલા વ્યકિતઓના રેસ્ક્યુ કે મૃતદેહ કાઢવા સહિતની જવાબદારી બજાવે છે. ઓછા સાધનો અને અપૂરતા સાધનોને કારણે આગજનીની ઘટના જોખમી જ બને છે.