વોટ્સએપ મેસેજ જોતા જ શિક્ષક અમૃતભાઈ મોરડીયા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી પુત્ર ધૃવિલે હોસ્પિટલ પહોંચી દર્દીની વ્હારે આવ્યામોરબી : મોરબીમાં 'આપનું રક્તદાન, કોઈનું જીવનદાન' ની ઉક્તિને સાર્થક કરતો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. મોરબીના જાણીતા કોમર્સના શિક્ષક અને તેમના પુત્રએ ધોમધખતા તાપની પરવા કર્યા વિના હોસ્પિટલ પહોંચીને એક દર્દી માટે તાત્કાલિક રક્તદાન કરીને માનવતા મહેકાવી છે.મળતી વિગતો મુજબ, મોરબીના જાણીતા કોમર્સના શિક્ષક અમૃતભાઈ મોરડીયાને બપોરે 12:30 વાગ્યે એક વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મળ્યો હતો કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને 'O' પોઝિટિવ બ્લડ ગ્રુપની તાત્કાલિક જરૂરિયાત છે. મેસેજ વાંચતાની સાથે જ અમૃતભાઈએ આપેલા નંબર પર સંપર્ક કરી દર્દીના સગા સાથે વાતચીત કરી હતી.સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના, અમૃતભાઈ મોરડીયા અને તેમનો પુત્ર ધૃવિલ મોરડીયા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. બપોરના ધોમધખતા તાપનો વિચાર કર્યા વગર બંને બાપ-દીકરાએ હોસ્પિટલમાં સાથે રક્તદાન કર્યું હતું અને દર્દીની જરૂરિયાત પૂરી કરી હતી.ઉલ્લેખનીય છે કે, અમૃતભાઈ મોરડીયાનો પુત્ર ધૃવિલ મોરડીયા અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને હાલ બેંગલોર ખાતે ઇન્ટર્નશિપ કરી રહ્યો છે. તે માત્ર 2 દિવસ માટે વતન મોરબી આવ્યો હતો, ત્યારે પિતાની સાથે રક્તદાન કરીને તેણે પણ સમાજ સેવાનો ઉત્તમ મોકો ઝડપી લીધો હતો. પિતા-પુત્રની આ સંયુક્ત કામગીરીએ સમાજમાં રક્તદાન પ્રત્યે એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે.#Morbi #BloodDonation #Humanity #Inspiration #MorbiNews #SocialService