મોરબી : મોરબીની ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન તથા ભાજપ નેતા મગનલાલ ધનજીભાઈ વડાવિયા દ્વારા ખેડૂતોને બીયારણની તંગી ન પડે તે માટેનું આગોતરુ આયોજન કરવા રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુને માંગ કરવામાં આવેલ છે. તેઓએ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે બીયારણની કામગીરી સરકારશ્રીના નિગમ દ્વારા કરવામાં આવતી હોય છે. આ નિગમ દ્વારા વખતોવખત પ્રાઈવેટ ડીપોવાળાને વધુ પડતુ બીયારણ ફાળવવામાં આવે છે. આથી, કાળાબજાર થવાની શકયતા વધી જાય છે. તો સહકારી સંસ્થાઓને બીજનિગમ દ્વારા વધુ બીયારણ ફાળવવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે. વિશેષમાં જણાવેલ છે કે ચોમાસાને હવે માત્ર થોડા દિવસ જ બાકી છે ત્યારે સરકાર દ્વારા આ બાબતમાં આગોતરુ આયોજન કરવામાં નહી આવે તો ખેડૂતોને ખુબ જ મુશ્કેલી પડશે. તો આ બાબતને ધ્યાને લઇ આગોતરું આયોજન કરી ખેડૂતોને વ્યવસ્થિત બીયારણ મળી રહે તેવી માંગણી કરાઈ છે.