રાજાશાહીની શાન સમી બગીનો વર્તમાન સમયમાં પણ એવો જ ઠાઠ, પણ કોરોનાના લીધે માંગ નહિવત મોરબી : દેશની આઝાદી પહેલા રાજાશાહીના સમયમાં બગી રાજ-પરિવાર અને ધનવંતોની શાન ગણાતી હતી. રાજાઓ નગરવિહાર કરવા કે અવરજવર કરવા માટે બગીનો જ ઉપયોગ કરતા હતા. જો કે વર્તમાન સમયમાં પણ બગીનો ઠાઠ એવો જ છે. મોરબીમાં રહેતો એક પરિવાર રજવાડાં વખતથી પેઢી દર પેઢી બગીનો વ્યવસાય કરતો આવ્યો છે. અને આ વ્યવસાય થકી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. મોરબીમાં દરબાર ગઢ નજીક સ્વામી નારાયણ મંદિર પાસે રહેતા ચૌહાણ પરિવારની ત્રીજી પેઢી બગીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. હાલમાં ચૌહાણ પરિવારના રાજેશભાઈ અને તેમના નાના ભાઈ અનિલભાઈ બગીનો વ્યવસાય કરે છે. તેમના પિતા 'દુલાભાઈ બગીવાળા'ના નામથી જ તેઓ દરબાર ગઢ નજીક બજરંગ પાન પાસે વ્યવસાય કરે છે. હાલમાં તેઓ પાસે એક મોટી બગી એટલે કે બે ઘોડાવાળી બગી અને બે નાની બગી એટલે કે એક ઘોડાવાળી બગી છે. રાજાશાહી વખતમાં તેમના પૂર્વજો પાસે રાજાઓ વિહાર કરે તેવી એન્ટિક બગી હતી. પરંતુ રાજાશાહી બાદ કોઈ કારણોસર વેચી દીધી હતી. વર્તમાન સમયમાં બગીનો ઉપયોગ સ્વાભાવિક રીતે જ ખૂબ ઓછો થઇ ગયો છે. પરંતુ લગ્ન પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો માટે બગીનો ઉપયોગ કરવાનો જાણે એક ટ્રેન્ડ થઇ ગયો છે. લોકો રજવાડી શૈલીમાં લગ્નનું આયોજન કરતા હોય ત્યારે સજાવેલી બગીમાં વરઘોડો નીકાળવામાં આવે છે. તેમજ રાજ-પરિવારનું ફુલેકુ હોય ત્યારે પણ ધામધૂમથી બગીમાં સવારી નીકળે છે. આ ઉપરાંત, ધાર્મિક કાર્ય જેવા કે જન્માષ્ટમી-રામનવમીમાં રથયાત્રા, શોભાયાત્રા, કથા દરમિયાન પોથીજી માથે પધરાવવાના હોય, સામૈયા કરવાના હોય કે જનોઈનો પ્રસંગ હોય ત્યારે બગીનો ઉપયોગ કરવામાં આવે છે. આથી, સમગ્ર વર્ષ દરમિયાન બગીની માંગ રહેતી છે, તેમ રાજેશભાઈએ જણાવ્યું હતું. કોરોના વાયરસને પગલે ધંધાને માઠી અસર થઇ છે, લોકોએ લગ્નપ્રસંગ માટે આપેલા ઓર્ડર પણ રદ કરી દીધા છે : રાજેશભાઈ ચૌહાણ બગીવાળા રાજેશભાઈ ચૌહાણએ આ અંગે જણાવ્યું છે કે હાલમાં કોરોના કાળ દરમિયાન બગીના વ્યવસાય કરતા લોકો માટે કપરો કાળ ચાલી રહ્યો છે. કોરોના વાયરસને પગલે લોકડાઉન થતા જ ધંધાને માઠી અસર થઇ છે. લોકોએ લગ્નપ્રસંગ કે અન્ય પ્રસંગ માટે આપેલા ઓર્ડર પણ રદ કરી દીધા છે. જો કે હાલમાં અનલોક દરમિયાન નાની બગીમાં બાળકોને આંટો મરાવીને રોજીરોટી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. પરંતુ અમને ખુશી એ વાતની છે કે અમારા પરિવારે રાજવી મહેન્દ્રસિંહજી, વાઘજી ઠાકોર, લખધીરસિંહજીના વખતથી પેઢી દર પેઢી બગીનો ધંધો કરી પ્રાચીન સંસ્કૃતિની ઓળખ એવી બગીની શાનને જાળવી રાખવામાં ફાળો આપ્યો છે!