પાલિકા તંત્રએ કલેકટર તંત્રની મંજૂરી પણ માંગી : દીવાલ તોડી પાડવા માટે કલેકટરનો હુકમ ન આવે ત્યાં સુધી બેઠોપુલ બંધ રહેશે મોરબી : મોરબીના સામાકાંઠેથી શહેર તરફ અવર જવર માટેના બેઠપુલ પર શહેર તરફ જવાના શક્તિ ચોકના નાકા પાસે આવેલ વર્ષો જુની દીવાલનો અમુક હીસ્સો પડી જતા કાલથી જ બેઠો પુલ બંધ કરવામાં આવ્યો હતો.જોકે આ જર્જરિત દીવાલને અડીને આઠ મકાનો આવેલ હોવાથી આ દીવાલ તોડી પાડવા માટે નુકશાન ન થાય તે માટે પાલિકા તંત્રએ આ આઠ મકાનોને નોટિસ ફટકારી છે.તેમજ કલેકટર પાસે આ દીવાલ તોડી પડવાની મંજૂરી માંગ્યા બાદ હવે કલેકટરના હુકમની રાહ જોવાઈ રહી છે. મોરબીના સામાકાંઠાના જોડતા બેઠપુલ પર શહેર તરફ જવાના માર્ગ તરફના શક્તિ ચોકના નાકા પાસે આવેલ વર્ષો જૂની જર્જરિત હાલતમાં રહેલી દીવાલનો અમુક હિસ્સો કાલે ધરાશાયી થયો હતો.જોકે એક કાર ઝપટે ચડી ગઈ હતી પણ કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.આ બનાવને પગલે પોલીસ અને પાલિકા ટીમે ઘટના સ્થળે દોડી જઈને દિવાલનો કાટમાળ હટાવીને સલામતીના ભાગરૂપે ગઈકાલથી જ બેઠોપુલ બંધ કરી દીધો હતો. આ જર્જરિત દીવાલને અડીને પાછળ સાત આઠ મકાનો આવેલા છે.જેથી દીવાલ તોડી પડાઈ તો આ મકાનોને પણ મોટું નુકશાન પહોંચે તેમ છે.પણ બેઠપુલ પરનો વાહન વ્યવહાર સતત અહીં ધમધમતો હોવાથી વાહન ચાલકોની સલામતી માટે આ દીવાલ તોડવી અનિવાર્ય છે.આથી પાલિકા તંત્રએ આ આઠ મકાનોના માલિકોને વહેલી તકે મકાન ખાલી કરી દેવા નોટિસ ફટકારી છે.અને દીવાલ તોડી પાડવા માટે હુકમ આપવા કલેકટરને રજુઆત કરી છે અને જ્યાં સુધી આ દીવાલ તોડી પાડવા માટે કલેકટરનો હુકમ ન આવે ત્યાં સુધી બેઠોપુલ બંધ રહેશે તેવું પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું.