ધૂમ સ્ટાઇલ બાઈકર્સ ગેંગ કરતા પણ નંબર પ્લેટ વગર દોડતા ડમ્પર ચાલકો જોખમી : જાગૃત નાગરિકે એસપીને ઈ-મેઈલથી કરી ફરિયાદ મોરબી : મોરબી આરટીઓ દ્વારા ખનીજચોરી કરી ખુલ્લેઆમ ઓવરલોડ -ઓવર સ્પીડે ચાલતા ડમ્પર માલિકો - ચાલકોને જાણે નંબર પ્લેટમાંથી મુક્તિ આપી હોય તેવી સ્થિતિ વચ્ચે હાલમાં રાજકોટ,વાંકાનેર,માળીયા અને હળવદ સહિતના ધોરીમાર્ગો ઉપર રાત્રીના સમયે તો ઠીક હવે ધોળા દહાડે પણ આવા માતેલા સાંઢ સમા ડમ્પર ચાલકો આમ નાગરિકો માટે ધૂમ સ્ટાઇલ બાઈકર્સ કરતા વધુ જોખમી બન્યા હોવાની ચોંકવાનારી ફરિયાદ જાગૃત નાગરિકે જિલ્લા પોલીસવડાને સીધી જ ઈ-મેઈલથી કરી છે.આ ફરિયાદમાં સ્પષ્ટ પણે જણાવાયું છે કે મોરબી જિલ્લામાં બનતી મોટાભાગની હિટ એન્ડ રનની ઘટનાઓ પાછળ પણ આવા કાળમુખા ડમ્પર ચાલકો જ જવાબદાર છે. મોરબી શહેર અને જિલ્લમાં દોડી રહેલા મોટાભાગના ડમ્પર અને આઇવા ડમ્પરમાં છેલ્લા ઘણા સમયથી આરટીઓના નિયમ મુજબ નંબરપ્લેટ લગાવવાને બદલે ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર ઢાંક પીછોડો થઈ શકે અને પોલીસની નજરથી બચી શકાય તે માટે 95 ટકા આવા હેવી વાહનમાં આગળ કે પાછળની તરફે નંબરપ્લેટ કાઢી નાખવામાં આવે છે અને અન્ય જિલ્લામાં એન્ટ્રી સમયે કઠણાઈ લાગે તો ફટાફટ નંબરપ્લેટ લટકાવી દેવામાં આવે છે. ખાસ કરીને મોરબી વાંકાનેર, મોરબી-રાજકોટ, મોરબી માળીયા અને મોરબી હળવદ રોડ ઉપર માતેલા સાંઢની જેમ ઓવરસ્પીડ અને ઓવરલોડ સાથે ચાલી રહેલા આવા કાળમુખા ડમ્પર નાના વાહનો અને મોટા વાહનો માટે પણ ત્રાસ દાયક બન્યા છે. અત્યંત ગંભીર બાબત તો એ છે કે મોરબી જિલ્લામાંથી રેતી - ખનીજ વહન કરી રાજકોટ સહિતના શહેરોમાં ગુપચુપ રીતે ગોરખધંધા કરવા જતા આ ડમ્પર ચાલકોનો સૌથી વધુ ત્રાસ સાંજે 7 વાગ્યા બાદ શરૂ થાય છે ખાસ કરીને રાજકોટ રોડ ઉપર સાંજે સાત વાગ્યા બાદ કાળમુખા ડમ્પર ચાલકો પાણીથી નીતરતી રેતી ભરીને નીકળતા હોય પાછળ આવતા ફોર વ્હીલ કે ટુ વ્હીલ ચાલકો રીત સર ગંદાપાણીથી ભરાઈ જાય છે અને એમાં પણ કેટલાક અળવીતરા ડમ્પર ચાલકો એકબીજાની રેસમાં ઉતર્યા હોય ત્યારે અન્ય વાહન ચાલકોને ખુબ જ ચેતવું પડે છે. છેલ્લા લાંબા સમયથી નંબરપ્લેટ વગર ચાલી રહેલા આવા કાળમુખા ડમ્પર દ્વારા ઓવરસ્પીડે વાહન ચલાવી કઈ કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લઈ નાસી છૂટવાની કુટેવ ધરાવતા હોય આ મામલે મોરબીના જાગૃત નાગરિક નરેન્દ્રભાઈ દેસાઈ દ્વારા મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાને ઈ-મેઈલથી ચોંકાવનારી ફરિયાદ કરી હિટ એન્ડ રનની મોટાભાગની ઘટનાઓમાં આવા નંબરપ્લેટ વગરના ડમ્પર અને આઇવા ડમ્પર ટ્રક જ સંડોવાયેલ હોય હાઇવે ઉપરના સીસીટીવી કેમેરા ઉપરાંત ખાસ ઝુંબેશરૂપે કડક કામગીરી કરી નંબર પ્લેટ વગર રોડ ઉપર બેફામગતિએ દોડતા કાળમુખા ડમ્પરને ઝેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. નોંધનીય છે કે મોરબી આરટીઓ દ્વારા દરરોજ હાઇવે ચેકિંગના નામે ગાડી દોડાવી સરકારી ડીઝલના ધુમાડા કરવામાં આવી રહ્યા છે ત્યારે નંબરપ્લેટ વગર દોડતા આવ ડમ્પર ચાલકોને પકડવાની જેટલી જવાબદારી પોલીસની છે તેટલી જ આરટીઓની હોય ચેકિંગના ખોટા નાટક બંધ કરી રોકડી કરવાની સાથે સાથે હિટ એન્ડ રનની ઘટનાઓને અંજામ આપતા આવ કાળમુખા ડમ્પર સામે પણ કડક હાથે કામગીરી કરવા માંગ ઉઠી છે.