અધિકારીની બેદરકારીથી તાલુકા કક્ષાએ વિજેતા બનેલા સ્પર્ધકો આગળ વધતા અટકી ગયા મોરબી અપડેટ : ગુજરાત રાજય સરકારના રમત ગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષ રાજયભરના યુવાનોમાં રહેલી કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિકાસ થાય તે માટે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જે આયોજન અંતર્ગત ક્રમશ પ્રથમ દરેક તાલુકા, જીલ્લા, પ્રદેશ, લેવલે આયોજનનાં અંતે રાજય કક્ષાએ આયોજન કરવામાં આવે છે.આ વર્ષ મોરબી, ટંકારા, હળવદમાં પણ તાલુકા કક્ષાએ આયોજન જે તે કન્વિનરો દ્વારા કરવામાં આવેલ અને તાલુકાના વિજેતા થયેલા કલાકારોની યાદી મોરબી જીલ્લાના રમતગમત અધિકારીને પહોંચતી કરેલી. જીલ્લા કક્ષાના આયોજનની જવાબદારી જે તે જીલ્લાના રમતગમત અધિકારીઓની નિયત સમયમાં પૂર્ણ કરી પ્રદેશ લેવલે મોકલવાની હોય છે. પરંતુ મોરબી જીલ્લાના રમતગમત અધિકારી કંટેસરીયાને મોરબી તાલુકાના વિજેતા કલાકારો અવારનવાર રૂબરૂ અને મોબાઈલ સંપર્ક કરતા ત્યારે આ બાબતે તેઓ સ્પર્ધકોને જણાવતા કે મને ઉપરથી જીલ્લા કક્ષાના આયોજનની કોઈ માહિતી આપવામાં આવી નથી અને મારી બદલી હજુ થોડા સમય પહેલા જ મોરબી થઈ છે એટલે યુવા ઉત્સવના આયોજન બાબતે મને કોઈ માહિતી જ નથી આવા ઉડાવ જવાબો આપી યુવા કલાકારો ને કાઢી મુકવામાં આવતા. અને DSOની બેદરકારીના પરીણામે મોરબી જીલ્લા કક્ષાનું આયોજન નિયત સમય મર્યાદામાં ન થતા મોરબી જીલ્લાના કલાકારોમાં આ વર્ષ યુવા ઉત્સવથી વંચિત રહેતા ભારે રોષ ફેલાયો છે. રમતગમત અધિકારીને જો યુવા ઉત્સવના આયોજન વિશે પણ માહિતીન હોય તો એમને જીલ્લા રમતગમત અધિકારી તરીકેની નિમણૂક પર પણ સવાલો થઇ રહયા છે. આમ એક જવાબદાર અધિકારીની બેદરકારીથી તાલુકા કક્ષાએ વિજેતા બનેલા ઉમેદવારો આગળ વધતા અટકી ગયા હતા. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી બેજવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.