રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ મોરબી : મોરબીના સામાકાંઠે જુના રફાળેશ્વર પાસે બની રહેલ નવા રોડનું કામ અત્યંત ધીમી ગતિએ થઈ રહ્યું છે, જે કારણે ત્યાંથી પસાર થતાં મોટા વાહનો ધૂળની ડમરીઓ ઉડાડતા હોય જેથી વાહન ચાલકો તેમજ દુકાનદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ રોડની કામગીરી ઝડપથી પૂરી કરવા માંગ ઉઠી છે. શહેરના સામાકાંઠે પોસ્ટ ઓફિસથી લઇ નઝરબાગ રેલવે સ્ટેશન ફાટક પાસે જુના રફાળેશ્વરમાં રોડનું કામ ઘણા સમયથી ચાલુ છે. અહીં પહેલા રોડ ખોદાયો ત્યારબાદ તેમાં માટી, કાંકરી નાખી અને તરત જ ભૂગર્ભ ગટરનું કામ પણ ચાલુ કર્યું હોય જે પણ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે. રોડ બનવામાં ખૂબ સમય લાગ્યો હોય ત્યારે અહીં ફાટક બંધ હોય ત્યારે તથા સવાર-સાંજ ટ્રાફિક જામની મોટી સમસ્યા ઊભી થઈ છે. આ ઉપરાંત ભડિયાદ રોડ પર જતા મોટા વાહનો પણ અહીંથી પસાર થાય છે, જેથી આસપાસની દુકાનોમાં કાંકરા-ધૂળ ઉડે છે. જે પણ મોટી સમસ્યા છે ત્યારે આ રોડની કામગીરી સમયસર પૂર્ણ કરવા દુકાનદારો, વાહનચાલકો તેમજ સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે.