મોરબી: (મોરબી અપડેટ) મોરબીના વીસીપરા વિસ્તારમાં વર્ષ ૨૦૨૧માં થયેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં આજે મોરબીની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ચૂંટણીના મનદુઃખમાં મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપરમુખ ફારુકભાઈ અને તેમના પુત્રની નિર્મમ હત્યા કરનાર ચારેય આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. શું હતો સમગ્ર બનાવ?આ હત્યાની ઘટના ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ની રાત્રે બની હતી. મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને તેમનો પુત્ર ઈમ્તીયાઝ પોતાના ઘરે હતા. અગાઉની નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખને કારણે આરોપીઓએ કાવતરું રચ્યું હતું. મુખ્ય આરોપી ડાડાએ ફારૂકભાઈને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યા હતા. જેવા પિતા-પુત્ર ઘરના ડેલા પાસે આવ્યા, કે તરત જ હથિયારો સાથે તૈયાર ઉભેલા આરોપીઓએ તેમના પર છરી અને ધારિયા વડે તૂટી પડ્યા હતા. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર ઈમ્તીયાઝની પણ આરોપીઓએ કરપીણ હત્યા કરી નાખી હતી. સીસીટીવી ફૂટેજ બન્યા મુખ્ય પુરાવોઆ સમગ્ર હત્યાકાંડ ફરિયાદીના ઘરના દરવાજે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. તપાસ કરનાર પોલીસ અધિકારીએ ડી.વી.આર. કબજે કરી ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલ્યું હતું. એફ.એસ.એલ.ના રિપોર્ટમાં આરોપીઓના ચહેરા સ્પષ્ટ રીતે ઓળખાઈ આવતા તે કોર્ટમાં મજબૂત પુરાવો સાબિત થયો હતો. કોર્ટે કયા આરોપીઓને સજા ફટકારી?મોરબીના અધિક સેશન્સ જજશ્રી પંડ્યા સાહેબની કોર્ટે સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલોને ધ્યાને લઈ નીચે મુજબના આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા કરી છે: ૧) ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમહમદ જેડા ૨) આફતઅલી ઉર્ફે અસગર ઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી ૩) જુસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી ૪) આશીફ રહીમભાઈ સુમરા સજાની વિગતો :આજીવન કેદ: ચારેય આરોપીઓને ખૂન (કલમ ૩૦૨) ના ગુનામાં આજીવન સખ્ત કેદની સજા. આર્થિક દંડ: દરેક આરોપીને રૂ. ૨૦,૦૦૦નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદ. અન્ય સજા: હુલ્લડ કરવા અને હથિયારબંધીના ભંગ બદલ પણ અલગ-અલગ દંડ અને કેદની સજા ફટકારાઈ છે. આ કેસમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી જેવી સામાન્ય બાબતે કોઈની હત્યા કરવી એ સમાજ માટે ગંભીર જોખમ છે. આ ચુકાદાથી મોરબીના કાયદાના રક્ષકો અને ન્યાયપ્રણાલી પર લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે.