મુંબઈ ખાતે યોજાયેલ ટાટા મેરેથોન ૪ કલાકને ૫૬ મિનિટમાં પૂર્ણ કરી વૃધ્ધે ૧૫મો ક્રમાંક હાંસલ કર્યો મોરબી : હાલના યુવાનોમાં વ્યસનનું દુષણ ભારે માત્રામાં જોવા મળે છે. વ્યસનના કારણે મોટાભાગના યુવાધનમાં શારીરિક સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે મોરબીના એક વૃધ્ધે ચાર વખત ૪૨ કિ.મી.ની મેરેથોન દોડ પૂર્ણ કરીને પોતાની સ્ફૂર્તિનો પરચો બતાવી યુવાનોને પણ શરમાવ્યાં છે. આ વૃધ્ધે તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી ટાટા મેરેથોનનમાં માત્ર ૪ કલાકને ૫૬ મિનિટમાં પૂર્ણ કરી ૧૫મોં ક્રમાંક હાંસલ કર્યો છે. સમયના બદલતા જતા પ્રવાહમાં સમાજની રહેણીકહેણીમા પણ ભારે પરિવર્તન સર્જાયું છે. તેની સાથે સાથે ટેવો અને ફુટેવોમા પણ બદલાવ આવ્યો છે. હાલના સમયમાં ઘણા યુવાનો નાની વયથી જ કોઈ ને કોઈ વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે. આ વ્યસન માત્ર તેના માટે જ નહીં પરંતુ તેના પરિવાર માટે પણ હાનિકારક હોય છે. વ્યસનનું આ દુષણ યુવાધનને ખોખલું બનાવી રહ્યુ છે. યુવાનોની શારીરિક ક્ષમતાઓ વ્યસનના કારણે નબળી પડી રહી હોવાનું નિર્વયસની વૃદ્ધો સાબિત કરી રહ્યા છે. મોરબીના ઓર્થોપેડિક તબીબ અનિલ પટેલે વૃદ્ધ વયે પણ ૪૨ કિ.મી.ની મેરેથોન ચાર વખત પુરી કરીને યુવાનોને શરમાવ્યા છે. અનિલ પટેલે તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી ટાટા મેરેથોનમા માત્ર ૪.૫૬ મિનિટના સમયગાળામાં ૪૨ કિ. મી.ની મેરેથોન પૂર્ણ કરી ૧૫મો ક્રમાંક હાંસલ કર્યો છે. ખાવાપીવામાં પરેજી તેમજ સીધી સાદી રહેણીકરણી અને વ્યસનથી દૂર રહીને અનિલ પટેલે વૃદ્ધ વયે પણ યુવાનો કરતા વધુ સ્ફુર્તિના દર્શન કરાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. હાલના વ્યસની યુવાનો માટે અદભુત સ્ફૂર્તિ ધરાવતા અનિલ પટેલ પ્રેરણાના સ્ત્રોત સમાન બની ગયા છે.