પુસ્તકમાં સાહિત્ય અને મેડિકલ સાયન્સ બંનેનો સમાવેશમોરબી : આજે તારીખ 5 ઓક્ટોબર ને રવિવારના રોજ કોમનમેન ફાઉન્ડેશન- મોરબી દ્વારા મોરબીના જાણીતા તબીબ ડો. સતીશ પટેલના પુસ્તક 'મેકિંગ એ ડોક્ટર'ના વિમોચન અને ડોક્ટર્સના આત્મનિવેદનને સાંકળી લેતા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડ પર આવેલ સંસ્કાર બ્લડ બેન્ક ખાતે યોજાયો હતો. ડો. સતીશ પટેલના પુસ્તક 'મેકિંગ એ ડોક્ટર' પુસ્તક વિમોચન પ્રસંગે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સુરેન્દ્રનગર સી. યુ. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. રીનાબેન ગઢવી, સુપ્રસિદ્ધ સાહિત્યકાર જીતેન્દ્ર પટેલ, મોરબી GMERS મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ ડીન હિરેન સંઘાણી, જાણીતા કવિ અને લેખક દીપક ત્રિવેદી, જાણીતા કવિયત્રી હર્ષિદાબેન ત્રિવેદી, ઓર્થોપેડિક તબીબ ડો. દિનેશ પટેલ, વિવિધ ડોક્ટરો, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો, હોદ્દેદારો, શિક્ષકો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા અને સૌની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું.મહત્વનું છે કે, ડો. સતીશ પટેલે અત્યાર સુધી સાત પુસ્તકો લખ્યા છે અને આ તેમનું આઠમું પુસ્તક છે. આ પુસ્તક વિમોચન પ્રસંગે ડો. સતીશ પટેલે જણાવ્યું હતું કે, હું લેખક છું અને પુસ્તકોનું સર્જન કરવું એ મારો શોખ છે અને સાથે જ ડોક્ટર પણ છું. તેથી મને વિચાર આવ્યો કે લેખક અને ડોક્ટરની સંવેદના ભેગી કરીને એક પુસ્તકનું સર્જન કેમ ન કરી શકાય. આ વિચારે મને 'મેકિંગ એ ડોક્ટર' પુસ્તક લખવા પ્રેરણા આપી. આ પુસ્તકમાં મેં સાહિત્ય અને મેડિકલ સાયન્સ બંનેનો સમાવેશ કર્યો છે. મેડિકલમાં પ્રવેશ મેળવ્યા પછી સારા ડોક્ટર કેવી રીતે બની શકાય તેની વાત આ પુસ્તકમાં મેં કરી છે.