વર્ષોથી લોકોનો પ્રેમ મળી રહ્યો છે, પણ આ વખતે તો વધુ પ્રેમ મળી રહ્યો છે, પ્રેમ મળવો સહેલું છે પણ ટકાવવો અઘરો છે, હું તમારો પ્રેમ ટકાવી રાખીશ : કાનાભાઈએ મહેન્દ્રનગરમાં જનસભા ગજાવી મોરબી : મોરબી-માળિયામાં ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. જેમા આ બેઠકના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાઓ સભા સંબોધી રહ્યા છે. જેમને પ્રચંડ પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આજે કાંતિલાલ અમૃતિયાએ મહેન્દ્રનગરમાં જનસભા સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું. જનસભાને સંબોધતા કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે મને ટીકીટ જનતાના સાથ અને સહકારથી મળી છે. જેમાં મોટો હિસ્સો પ્રદેશના નેતા એવા જયંતીભાઈ કવાડિયાનો છે. ઉપરાંત બધે સર્વે થયો એમાં 10માંથી 9 લોકોએ કહ્યું કાનાભાઈ જોઈએ.સેન્સમાં 203માંથી 185એ કાનાભાઈનું નામ આપ્યું હતું. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મને ફોન ઉપર કહ્યું તમારી જવાબદારી મોટી છે એટલે મેં કહ્યું ટીકીટ ન આપો તો પણ મારી જવાબદારી બને જ છે. બાદમાં સી.આર. પાટીલે કહ્યું બધા નવા લડે છે તમે સિનિયર છો. એટલે જિલ્લામાં તમારી જવાબદારી વિશેષ છે. તેઓએ ઉમેર્યું કે 2 વર્ષ એવી સેવાઓ કરી એટલે હવે અવાજ સાંભળીને બધા ભેગા થઈ જાય છે. 1982 થી હું જાહેર જીવનમાં આવ્યો છું. ત્યારથી સેવાએ લાગેલો છું. તેઓએ કટાક્ષમાં કહ્યું કે ભલે બધા સળી કરે, પણ કઈ થાય એમ નથી અને આપણે પણ કોઈની સળી કરવાની નથી. તેઓએ કહ્યું કે મારો સિદ્ધાંત છે જે પક્ષમાં રહેવાનું એમાં વફાદારીથી રહેવાનું, પેટાચૂંટણીમાં હું કામે લાગી ગયો હતો. ન ગમતું હોય બેસી રહેવાય, પણ નુકસાન ન કરાય, હું તેમાં માનું છું. તેઓએ કહ્યું કે ઘણા વર્ષોથી તમારો પ્રેમ મળ્યો અને આ વખતે જાજો મળ્યો. પ્રેમ મળવો સહેલું છે પણ ટકાવવો અઘરો છે. એક ફેરે ચૂંટાયા બીજી ફેરે અઘરું, ત્રીજી ફેરે તેનાથી અઘરું, તેમાં પણ હારીએ એટલે પછી સૌથી અઘરું બની રહે. તેઓએ ભૂતકાળની વાતો વાગોળતા કહ્યું કે એકસમયે અહીં બસ સળગી તી, હું આવ્યો ત્યારે જુવાન છોકરાવ પથ્થર લઇને ઉભા હતા. ત્યારે મેં સમજાવ્યા કે હું પકડાવવા આવ્યો હોત તો પોલીસને કહી દીધું હોત, મેં કહી દીધું છે તમને નહિ પકડે, પછી મામલો થાળે પડ્યો અને શાંત થયું. ત્યારબાદ તે બધાના મેં કામ કર્યા છે. કાંતિલાલે પોતાના આગવા અંદાજમાં કહ્યું કે મારી ખાતરી છે કે મોરબી જિલ્લામાં કોઈ દાદા હશે તો એ હનુમાન દાદા હશે, બીજા કોઈ દાદા નહિ હોય. મોરબી ખેડૂત અને વેપારીનું શહેર છે. કોઈ આ ફેરવી ન શકે. આવું ત્યારે જ શક્ય બને જો આગેવાનો મર્દ હોય. વધુમાં તેઓએ કહ્યું કે તેઓ સાચું બોલવા વાળા વ્યક્તિ છે અને ટકોર કરતા કહ્યું કે રાજકીય માણસનો વિશ્વાસ ન કરવો. વિધાનસભામાં બાજતા હોય અને પછી ભેગા નાસ્તો કરતા હોય, માટે લોકોએ કોઈ રાગ દ્વેષ ન રાખવો. ચૂંટણી એ રાષ્ટ્રીય અવસર છે. અવશ્યપણે મતદાન કરવું જ જોઈએ.