ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાત, મોરબી જિલ્લાને કેટલું મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહિ મોરબી : નર્મદા ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાંથી મોરબી જિલ્લાની કેનાલોમા પણ સિંચાઇનું આપવામાં આવનાર છે. પણ કેટલું પાણી અપાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા એક સપ્તાહ માટે 12 હજાર ક્યુસેક પાણી છોડવાની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પાણી નહેર મારફતે ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું જણાવાયું છે. મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લાને પણ કેનાલ મારફત પાણી મળવાનું છે. પણ કેટલું મળશે તે અંગે કોઈ વિગતો જાહેર થઈ નથી. બીજી તરફ અગાઉ મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા આ ત્રણેયમાંથી દરેક બ્રાન્ચ કેનાલ મારફતે ખેડૂતોએ 800-1000 ક્યુસેક પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતોએ વાવણી કરી નાખી હોય, સામે હવે વરસાદી માહોલ દેખાઈ રહ્યો ન હોય માટે આ માંગણી સરકાર સમક્ષ મૂકી હતી. વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે જો આ માંગ મુજબ પાણી છોડવામાં નહિ આવે તો છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચશે પણ નહીં. અને જો પહોંચશે તો ત્યાં 7 દિવસ પુરા પણ થઈ ગયા હશે.