ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનાર ખેલાડીઓને સ્પર્ધાની તારીખ અંગે કોઈ જાણ ન કરાતી હોવાથી અનેક સ્પર્ધકો વંચિત રહ્યામેદાનમાં મંડપ અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી રમતવીરો ખુલ્લા તાપમાં શેકાવા મજબુર : આખો રમત ગમત વિભાગ જ ઇન્ચાર્જ ભરોષે હોય, સ્પોર્ટ્સ ક્ષેત્રે મોરબી કઈ રીતે આગળ આવશે ?મોરબી : મોરબી જિલ્લામાં 26મી તારીખથી શરૂ થયેલા ખેલ મહાકુંભના આયોજન કોઈ ઢંગધળા વગરનું અને લોલમલોલ હોય સ્પર્ધકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓનલાઇન નોંધણી કરાવનાર રમતવીરોને સ્પર્ધાના સમય કે સ્થળ અંગે કોઈપણ પ્રકારની સત્તાવાર જાણ કરવામાં આવતી ન હોવાથી અનેક સ્પર્ધકો સ્પર્ધાથી વંચિત રહી ગયાની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત આયોજન સ્થળ પર પીવાના પાણી અને છાંયડા માટે પૂરતા મંડપ જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેલાડીઓ ખુલ્લા તાપમાં બેસવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર ખેલ મહાકુંભ માટે કરોડોનું આંધણ ખર્ચી ખેલાડીઓને આગળ લાવવા મથી રહી છે. બીજી તરફ સ્થાનિક અધિકારીઓ સરકારની આબરૂને ધૂળધાણી કરી રહ્યા છે. સ્પર્ધાઓના આયોજનમાં વ્યવસ્થાપન અને કર્મચારીઓની ભારે અછતને લીધે સમગ્ર કાર્યક્રમ માત્ર એક દેખાડો બનીને રહી ગયો છે. મોરબીમાં મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની શરૂઆત 26 તારીખથી કરવામાં આવી છે. પરંતુ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સૌથી વધુ લોકોએ નોંધણી કરાવી હોવા છતાં, તેઓને સમયસર કાર્યક્રમની જાણ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ઇન્ચાર્જ રમત ગમત અધિકારીનું એવું કહેવું થાય છે કે બધી વિગતો અને પરિપત્રો વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારના કે અન્ય ખેલાડીઓને આ અંગે ખબર ન હોવાથી તેઓ અટવાઈ રહ્યા છે. આજે આયોજિત ચેસની ટુર્નામેન્ટમાં ભાગ લેનારા સ્પર્ધકો કે શાળાઓને કોઈ અગાઉથી જાણ કરાઈ ન હતી અને છેલ્લી ઘડીએ સ્પર્ધા શરૂ થાય ત્યારે ફોન કરીને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. આ પ્રકારના અણઘડ વહીવટના કારણે અનેક રમતવીરો યોગ્ય માર્ગદર્શન વિના મેદાનમાં ભટકી રહ્યા હતા.રમતગમતની આટલી મોટી સ્પર્ધામાં સુવિધાઓના નામે તંત્ર દ્વારા માત્ર આંખઆડા કાન કરવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ખેલાડીઓ અને સ્પર્ધકો માટે મેદાનમાં ખૂબ ઓછા મંડપ બાંધવામાં આવ્યા છે, પરિણામે રમતવીરોને કાળઝાળ તડકામાં ખુલ્લામાં બેસવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં, પીવાના પાણીની બોટલો પણ સ્પર્ધાના સ્થળથી ખૂબ દૂર રાખવામાં આવી છે. ખરેખર જ્યાં સ્પર્ધા ચાલતી હોય ત્યાં જ પાણીની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ અહીં તેનું પાલન ન થતાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો કંટાળી ગયા હતા. ગ્રાઉન્ડ પર પૂરતો સ્ટાફ ન હોવાથી મેનેજમેન્ટનો સંપૂર્ણ અભાવ ઉડીને આંખે વળગી રહ્યો હતો. મુખ્ય અધિકારી ઇન્ચાર્જ, અન્ય વાંકાનેર બીજા કામમાં વ્યસ્ત!મોરબી જિલ્લાના રમત ગમત અધિકારીનો ચાર્જ રાજકોટના અધિકારીઓ પાસે છે. આ અધિકારી મોટા ભાગે રાજકોટ હોય છે. બીજી તરફ તેમનાથી નીચેના સ્ટાફના એક જવાબદાર વ્યક્તિ વાંકાનેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીન શોધવા માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે. સ્પર્ધાના સમયે જ અન્ય કામોમાં વ્યસ્ત રહેતા અધિકારીઓની આવી ઘોર બેદરકારીના કારણે ખેલાડીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. કાર્યક્રમ અંગે સત્તાવાર માહિતી જાહેર ન કરાઈખેલ મહાકુંભ જેવા રાજ્યવ્યાપી કાર્યક્રમમાં પારદર્શિતા લાવવા માટે મીડિયા અને શાળાઓને જાણ કરવી અત્યંત જરૂરી છે. છતાં, રમતગમત કચેરી દ્વારા કઈ તારીખે કઈ રમત રમાડવામાં આવશે તે અંગે કોઈ જ વિગત જાહેર કરવામાં આવી નથી. રમત ગમત અધિકારી વીરેન્દ્રસિંહ જાડેજાએ બચાવ કરતા કહ્યું હતું કે 50 થી 60 લાખ રજીસ્ટ્રેશન હોવાથી બધાને મેસેજ મોકલવા અશક્ય છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાએથી સ્પર્ધકોને જાણ થાય એવું આયોજન અધિકારીએ ઘડવું જોઈએ. પણ અધિકારીઓ માત્ર ખેલ મહાકુંભને કામગીરીનું ભારણ સમજીને દૂર ભાગી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.ઘણા સ્પર્ધકોને જાણ જ કરવામાં આવી નથી, અમને પણ અંતિમ ઘડીએ ખબર પડી : સ્પર્ધકના પિતા ભાવિન જગદીશભાઈ નારણીયાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના બાળક માટે ખેલ મહાકુંભ 2026 માં ભાગ લેવા આવ્યા છે. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ખેલ મહાકુંભના સત્તાધીશો કે શાળા દ્વારા સ્પર્ધા અંગે કોઈ જ માહિતી કે જાણ કરવામાં આવી ન હતી. મોડેથી જાણ થતાં વહેલી સવારે બાળકને લઈને અહીં પહોંચ્યા ત્યારે ખબર પડી કે ઓપન ટુર્નામેન્ટ પણ આજે જ રમાડવામાં આવનાર છે. તેમના ધ્યાનમાં 10 જેટલા સ્પર્ધકો એવા છે જેમને ઈમેલ કે મેસેજ દ્વારા કોઈ જ નોટિફિકેશન મળ્યું નથી. યોગ્ય માહિતી ન મળવાના કારણે ઘણા ખેલાડીઓ ભાગ લેવાથી વંચિત રહી ગયા છે, જેથી વધુ ખેલાડીઓ આગળ આવે તેવો ખેલ મહાકુંભનો મૂળ હેતુ સાર્થક થતો જોવા મળતો નથી.ઇનામો માત્ર નામ પૂરતા જ, ગત વર્ષના ખેલ મહાકુંભના ઇનામની રકમ હજુ સુધી નથી મળી : સ્પર્ધક મોરબીની આનંદ ચેસ ક્લબના વિનોદ પરમારે જણાવ્યું હતું કે ગત વર્ષે રમાયેલા ખેલ મહાકુંભના ઇનામના પૈસા તેમના ગ્રુપના ઘણા ખેલાડીઓને હજી સુધી મળ્યા નથી. તેમના ગ્રુપના સિનિયર સિટીઝન મોહમ્મદ હનીફ બોરડીવાલા કે જેઓ સ્ટેટ લેવલે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા તેમને પણ હજુ ઇનામ મળ્યું નથી. તેમણે પોતે 2025 નો ખેલ મહાકુંભ રમ્યો હતો જેના પૈસા પણ હજુ સુધી આવ્યા નથી. આ વાતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં અને બીજી વાર કાગળિયા જમા કરાવ્યા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર બેંકમાં પૈસા જમા થઈ જશે તેમ કહીને રાહ જોવાનું જ કહેવામાં આવે છે. #KhelMahakumbh #MorbiUpdate #SportsNews #Morbi #GujaratSports