પડતર પ્રશ્નો મામલે કલેક્ટરને આવેદન પાઠવ્યું, નિયત સમય સિવાય અને રજાના દિવસોમાં ઓનલાઈન કામગીરીથી અળગા રહેશેમોરબી અપડેટ: ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ મોરબી જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નો મામલે 'Work to Rule' (નિયમ મુજબ કામગીરી) અને 'Work with Dignity' (સ્વાભિમાન સાથે કામગીરી) નીતિ અનુસાર ફરજ બજાવવા અંગે 20/08/2026 ના રોજ મોરબી કલેક્ટરને લેખિત જાણ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ હિતેશભાઈ ગઢવી દ્વારા કલેક્ટરને પત્ર પાઠવીને પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો, સેવા વિષયક વિસંગતતાઓ, બઢતીથી બિનજરૂરી જિલ્લા ફેરબદલીઓ તેમજ મહેસુલી તલાટીઓના અપ્રાસંગિક જોબચાર્ટ સંદર્ભે સરકારમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં લાંબા સમયથી સકારાત્મક ઉકેલ આવ્યો નથી. જેથી મહામંડળના આદેશ મુજબ મોરબી જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ 'Work to Rule' અને 'Work with Dignity' મુજબ કામગીરી કરવા કટિબદ્ધ થયા છે.કર્મચારીઓ નીચે મુજબની નીતિ-નિયમોનુસાર કામગીરી કરશે:નિયત સમય મુજબ કામગીરી: તમામ કર્મચારીઓ સરકારી નિયમ મુજબના સત્તાવાર કચેરી સમય એટલે કે સવારે 10:30 થી સાંજે 06:10 દરમિયાન જ કચેરીની સત્તાવાર કામગીરી કરશે. આ સમય દરમિયાન જનહિતને સ્પર્શતી અગત્યની તથા તાકીદની કામગીરીઓને પ્રાથમિકતા આપીને નિકાલ કરવામાં આવશે.ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર: સત્તાવાર સમય પૂરો થયા બાદ તેમજ જાહેર રજાના દિવસોમાં કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી, OTP, બાયોમેટ્રિક આધારિત કામગીરી કરવામાં આવશે નહીં.અપ્રાસંગિક જોબચાર્ટથી અળગા રહેશે: મહેસુલી તલાટીઓનો નવો જોબચાર્ટ વ્યવહારૂ કે ન્યાયિક ન હોવાથી, જ્યાં સુધી તેમાં જરૂરી સુધારા-વધારા કરવામાં ન આવે ત્યાં સુધી નવા જોબચાર્ટ અને અન્ય બિન-મહેસૂલી વધારાની કામગીરીથી કર્મચારીઓ અળગા રહેશે.મંડળે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યક્રમ કોઈ અધિકારી કે વહીવટી તંત્ર સામે વ્યક્તિગત નથી, પરંતુ કેવળ નીતિગત પ્રશ્નો અને કર્મચારીઓના ન્યાયિક હકો માટે છે. આંદોલન દરમિયાન અરજદારો કે સામાન્ય જનતાને હેરાનગતિ કે મુશ્કેલી કરવાનો કોઈ ઈરાદો નથી.#Morbi #MorbiUpdate #MorbiNews #RevenueEmployees #WorkToRule #Strike #CollectorOffice #GujaratNews #MorbiDistrict