હજુ આવતીકાલ સુધીમાં પણ લિસ્ટમાં અનેક નામો ઉમેરાશે : ગેરકાયદે દબાણ, વીજ કનેક્શન અને નાણાકીય વ્યવહારો સહિતની તપાસ થશેમોરબી : રાજ્યના પોલીસ વડાના આદેશને પગલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા 165 જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી નાખવામાં આવ્યું છે. હજી આવતીકાલ સુધીમાં આ લિસ્ટમાં બીજા અનેક નામો ઉમેરાય તેવું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ અત્યાર સુધીમાં 8 જેટલા શખ્સોના ગેરકાયદે વીજ કનેક્શન કાપી પણ નાખવામાં આવ્યા છે. તાજેતરમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરની પોલીસને 100 કલાકમાં તેઓના વિસ્તારના અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે અન્વયે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના અન્વયે મોરબી જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના નામની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. હાલ આ યાદીમાં 165 જેટલા નામો આવ્યા છે. હજુ પણ આવતીકાલ સુધીમાં આ યાદીમાં બીજા પણ અનેક નામો ઉમેરાવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યાદીમાં જેટલા અસામાજિક તત્વોના નામ છે તે તમામના ગેરકાયદે દબાણ, વીજ કનેક્શન અને નાણાકીય વ્યવહારો તપાસવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.આ મામલે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ યાદી બનાવવાનું કામ ચાલુ છે. અત્યાર સુધીમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 8 જેટલા અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ કનેક્શન વીજ વિભાગને સાથે રાખી કાપી નાખવામાં આવ્યા છે. ઉપરાંત વીજ વિભાગ દ્વારા અંદાજે રૂ.8 લાખ જેટલો દંડ ફટકારવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.