છેલ્લા 2 મહિનાથી અટવાયેલા સ્વભંડોળમાં રૂ.6.09 કરોડના કામોને પણ મળી મંજૂરી : સભામાં ખેડૂતોની દેણા માફી કરવાનો ઠરાવ પસાર કરાવવાની વિપક્ષ નેતાની માંગ : બાંધકામ મંજૂરીમાં જુની પદ્ધતિ શરૂ કરવા ફરી ભાજપ-કોંગ્રેસે સામુહિક માંગ ઉઠાવી મોરબી : મોરબીમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં 16 જેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે વિપક્ષ નેતાએ ખેડૂતોના દેણા માફીનો પ્રશ્ન ઉઠાવતા થોડી વાર માટે ભાજપ-કોંગ્રેસના આગેવાનો સામે-સામે આવી ગયા હતા. આ બેઠકમાં 18 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસના 2થી 3 સભ્યો હતા.જિલ્લા પંચાયત પ્રમુખના જણાવ્યા અનસાર આ બેઠકમાં સ્વંભંડોળના 9.21 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં બે મહિનાથી અટવાયેલા રૂ.6.09 કરોડના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. અગાઉ સ્વભંડોળના આ કામો અંગે ડીડીઓએ વિકાસ કમિશનર પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. આ અભિપ્રાય ન આવવાના લીધે આ કામો 2 મહિનાથી અટવાયેલા પડ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના અમુક રસ્તાઓ સ્ટેટને સોંપવા માટેના ઠરાવ કરવામાં આવ્યા હતા. પાનેલી જીઆઇડીસીને જોડતા હાલના રોડને પહોળો કરી ફોર લેન કરવા જીઆઇડીસીએ જિલ્લા પંચાયત સમક્ષ મંજૂરી માંગી હતી. જે અંગે નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં વિપક્ષ નેતા ભુપતભાઇ ગોધાણીએ ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેઓએ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવવા ઠરાવ પસાર કરવાની માંગ કરી હતી. ઉપરાંત જૂની પાક વીમા યોજના અમલમાં લાવવાની માંગ કરી હતી. વધુમાં તેઓએ પાક સહાય પેકેજને મામૂલી ગણાવ્યું હતું. ઉપરાંત હોદ્દેદારોને કહ્યું હતું કે તમે ખેડૂતના હિસાબે પંચાયતમાં બેઠા છો ખેડૂત વિફરશે તો ઘરે બેસાડી દેશે. સાથે ભાજપના અને કોંગ્રેસના નેતાઓએ સામુહિક રીતે બાંધકામ મંજૂરીમાં લોકોની અગવડતા દૂર કરવા ફરી જૂની પદ્ધતિ લાગુ કરવાની માંગ કરી હતી. આ મામલે ઠરાવ પસાર કરવાનું સૂચન કરાયું હતું. જો કે નીતિ વિષયક બાબત હોવાથી આ મામલે ઠરાવ પસાર કરવામાં આવ્યો ન હતો.