મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરી હસ્તકના ફિક્સ પગાર તથા નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયેલા સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા આરોગ્ય કચેરી, જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તેમજ જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝર મળી કુલ 400થી વધુ કર્મચારીઓ આવતીકાલ તારીખ 18 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે તેવું આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.આરોગ્ય કર્મચારીઓની માગણી છે કે, આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ન જેવા કે તમામ સંવર્ગનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેના ગ્રેડ પે પગાર સુધારણા તેમજ ખાતાકીય પરીક્ષા સદંતર રદ કરવામાં આવે. આ અંગે અગાઉ મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી તેમજ સંબંધિત વિભાગના મંત્રી અને સચિવને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. માગણીઓને લઈને 5 માર્ચના રોજ માસ સીએલ અને ધરણા કરવામાં આવ્યા હતા. 7 માર્ચથી ઓનલાઈન તથા ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર કરવા છતાં આ પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું ન હોય આવતીકાલ તારીખ 18 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે.