10 રસ્તાઓ વાંકાનેર અને માળિયા પાલિકાને સોંપાશે, બીનખેતીની જમીન પરનો કર એકસમાન રાખવા સરકારમાં દરખાસ્ત : પ્રમુખના બંગલાને નવો બનાવવા માટે ગ્રાન્ટ ન મળતા જાળવણી કરી તેને યથાવત રખાશે, DDOની કાર ખખડધજ હોવાથી ભાડાની કારનો ઉપયોગ કરાશેમોરબી અપડેટ : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી. આ સભામાં રસ્તાઓ, જમીન મહેસૂલ, વિવિધ સમિતિઓના સભ્યોની નિમણૂક અને વિકાસના કામો સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યસૂચિના તમામ મુદ્દાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત સભામાં સભ્યોએ રોડ-રસ્તાની બિસ્માર હાલતના પ્રશ્નો પણ ગજવ્યા હતા. સમિતિઓમાં નવા સભ્યની નિમણુંકઆ સભામાં સમિતિઓમાં નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં શિક્ષણ સમિતિના સભ્ય પદેથી પ્રમુખે રાજીનામું આપતા તેમની જગ્યાએ નવા સભ્ય તરીકે ભગવતીબેન ગિરીશભાઈ લકુમની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, સામાજિક ન્યાય સમિતિના કો-ઓપ્ટ સભ્ય કાળાભાઈ ગોકુળભાઈ મકવાણાએ રાજીનામું આપતા, તેમની જગ્યાએ સોનલબેન રાજેશભાઈ બારિયાની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.સદસ્યો દ્વારા રોડ-રસ્તાની ખરાબ હાલત સહિતના પ્રશ્નો રજૂ કરાયાસદસ્ય મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર (24-તીથવા) દ્વારા વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે પ્રશ્નો રજૂ કરાયા છે. જેમાં મોરબી જિલ્લાના જોડાતા ગામોના રસ્તાઓ જેવા કે તીથવા, જડેશ્વર, અરણી ટીંબાથી નવી કલાવડી સુધીના અને અન્ય તાલુકા મથકોને જોડતા માર્ગો છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં છે, જેનું રિસરફેસિંગ અને સમારકામ કરવા માંગ કરાઈ છે. આ ઉપરાંત અરણી ટીંબાથી પીપળીયા રાજ અને પાંચ દ્વારકા તેમજ પ્રતાપગઢના રોડના નવા બનતા રસ્તા છેલ્લા 2 વર્ષથી અધૂરા મુકાયા છે, તેને સત્વરે પૂર્ણ કરવા રજૂઆત થઈ છે. રાતી દેવળી ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલના અભાવે 3000 થી વધુ વસ્તી ડેન્ગ્યુ અને અન્ય રોગોનો ભોગ બની રહી છે, જેથી 500 મીટર લાંબા 1 ડાયામીટરના સિમેન્ટ પાઇપ નાંખી આ સમસ્યા હલ કરવા માંગ ઉઠી છે. વધુમાં, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોમાં ડોર ટુ ડોર સફાઈની ગ્રાન્ટ વપરાઈ જવા છતાં નિયમિત સફાઈ થતી નથી, વિકાસના કામોમાં તાલુકા મદદનીશ ઇજનેર દ્વારા સીધી દેખરેખ ન રખાતી હોવાથી કામો નબળી ગુણવત્તાના થાય છે, અને જિલ્લા પંચાયતની માલિકીની જમીનમાં રહેતા ઝૂંપડપટ્ટીવાસીઓને વેરા રસીદ કે ગામ નમૂનાના અભાવે પીજીવીસીએલ દ્વારા ઘરવપરાશના વીજ કનેક્શન અપાતા નથી તેવા મુદ્દાઓ ઉઠાવી કડક અમલવારી અને નિયમોને આધીન લાભ આપવા રજૂઆત કરાઈ છે. સદસ્ય પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા (14-લુણાસર) દ્વારા વાંકાનેર તાલુકાના ગાંગ્યાવદર ગામે મહા નદી પરનો રસ્તો ધોવાઈ જતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે, તેનું તાત્કાલિક રિપેરિંગ કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સાથે વાંકાનેર નેશનલ હાઇવેથી કેરાળા જતો સિંગલ પટ્ટી રોડ નીચાણવાળો હોવાથી ચોમાસામાં 1 મીટર જેટલું પાણી ભરાય છે, તેમાં 2 કિલોમીટર જેટલા અંતરમાં ભરાણ કરાવી રોડ ઊંચો લેવા માંગ કરી છે. અન્ય સદસ્ય કુલસુમબેન અકબરભાઈ બાદી (17-પંચાસીયા) દ્વારા મોરબી જિલ્લા પંચાયત હસ્તકના 3.75 મીટરના સાંકડા માર્ગોને 5.5 અને 7 મીટર જેટલા પહોળા કરવા રજૂઆત કરી છે. સાથે જ રાતીદેવળીથી આદેપર, લગધીરનગર થઈ લીલાપર સુધીનો અંદાજે 25 કિલોમીટર લાંબો શોર્ટ રૂટ માર્ગ વાહનવ્યવહારથી ધમધમતો હોવાથી તેને સ્ટેટ હાઇવેને સોંપવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.વિકાસ કામો અને ગ્રાન્ટની ફાળવણીસભામાં વિકાસ કામો અને ગ્રાન્ટની ફાળવણી અંગે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. જિલ્લા પંચાયત સ્વભંડોળના વર્ષ 2025-26 ના મંજૂર થયેલા અંદાજિત 15 લાખના 6 કામોની મુદત વધારવાનો ઠરાવ કરવામાં આવ્યો છે અને વર્ષ 2026-27 ના સ્વભંડોળના આયોજન માટે સભ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. રેતી રોયલ્ટીના વર્ષ 2020-21 થી અત્યાર સુધીના કુલ 345 કામોમાંથી 119 કામો હજુ શરૂ થયા નથી, જ્યારે 95 કામો પ્રગતિમાં છે. જે કામો શરૂ નથી થયા તેને 31/03 સુધીમાં પૂરા કરવા સૂચના અપાઈ છે અને વર્ષ 2020-21 તથા 2021-22 ના શરૂ ન થયેલા 8 જૂના કામો રદ કરવાનો નિર્ણય લેવાયો છે.રસ્તાઓની સોંપણી અને નવીનીકરણ અંગે ચર્ચા રસ્તાઓની સોંપણી અને નવીનીકરણ અંગે સભામાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. માળિયા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત હસ્તકના 7 રસ્તાઓ અને વાંકાનેર નગરપાલિકાના 3 રસ્તાઓ જે તે નગરપાલિકાને સોંપવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. સભ્યો દ્વારા રસ્તાઓની બિસ્માર હાલત અંગે 7 થી 8 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધના કારણે એપ્રિલથી ડામરના કામો બંધ હતા અને હાલ ચોમાસાના કારણે કામ થઈ શકે તેમ નથી. ચોમાસું પૂરું થયા બાદ આ રસ્તાઓના કામો સત્વરે શરૂ કરવામાં આવશે.મહેસૂલ અને જમીન સંબંધિત અગત્યના નિર્ણયો મહેસૂલ અને જમીન સંબંધિત અગત્યના નિર્ણયોમાં બીનખેતીની જમીન પરના કરના દરોનો મુદ્દો મુખ્ય હતો. મોરબી જિલ્લાની રચના વખતે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી ગામો ભળ્યા હોવાથી આ દરો અલગ અલગ હતા. સમગ્ર જિલ્લામાં એકસમાન દર રાખવા માટે આગામી 5 વર્ષ (01/08/2026 થી) માટે 3 રૂપિયા (300 પૈસા) નો દર નક્કી કરી મંજૂરી અર્થે સરકારમાં દરખાસ્ત મોકલવા ઠરાવ કરાયો છે. વધુમાં, જે ગ્રામ પંચાયતોમાં આંગણવાડી કે શાળાના બાંધકામ માટે સરકારી જમીનો ઉપલબ્ધ નથી, ત્યાં પંચાયત કે સોસાયટીની સાર્વજનિક જમીનનો ઉપયોગ ગ્રામજનોની સંમતિથી કરવાનો ઠરાવ કરાયો છે.વહીવટી અને અન્ય નિર્ણયો અન્ય વહીવટી નિર્ણયોમાં, અગ્નેશ્વર મહાદેવ મંદિર વાળા રસ્તે આવેલ પ્રમુખના બંગલાને નવો બનાવવા માટે સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર ન થતા, હાલ જ્યાં સુધી નવી મંજૂરી ન મળે ત્યાં સુધી જૂના બંગલાની જાળવણી કરી તેને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. માર્ચ મહિનામાં ખરીદવામાં આવેલ જેટિંગ મશીનની જાળવણી અને સંચાલન માટે SOP જાહેર કરવાનો ઠરાવ કરાયો છે. જિલ્લા વિકાસ અધિકારીની કાર ખરાબ હાલતમાં હોવાથી, સરકાર તરફથી નવી કાર ન મળે ત્યાં સુધી ભાડેથી કાર રાખવા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા પંચાયતમાં સ્પર્ધાત્મક...