મોરબી : સમગ્ર ગુજરાતમાં જ્યારે સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં વૃક્ષારોપણ થકી ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સુત્રને સાર્થક કરવા માટે ૭૧માં વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ઉર્જા વિભાગના મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષપદે યોજાયો હતો. મોરબી જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો હતો. વન મહોત્સવની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજા રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે મુખ્ય વન સંરક્ષકશ્રી તકેદારી, ગાંધીનગરના એફ. એલ. ખુબાંગ (આઇ.એફ.એસ) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મદદનિશ વન સંરક્ષકશ્રી એન.એ. ખાવડીયાએ કર્યુ હતું. ત્યાર બાદ મહેમાનોને રોપા આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે ઉર્જા વિભાગના મંત્રી સૌરભભાઇ પટેલએ જણાવ્યુ હતુ કે, કલાઇમેન્ટ ચેન્જના કારણે ગરમી વધી રહી છે. આ બાબતે દુનિયાના બધા નેતા ભેગા થઇને વિચારણા કરી રહયા છે. આ વિચારણામાં ૧૫૦ થી વધુ દેશોના નેતાઓએ ભેગા થઇને નક્કી કર્યુ કે બધી એવી વસ્તુનો વપરાશ ઓછો કરવો જોઇએ કે જે પર્યાવરણને નુકશાન કરે છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોલાર સીસ્ટમને મહત્વ આપવા જણાવ્યુ છે. વધુમાં, મંત્રીએ જણાવ્યુ હતુ કે વૃક્ષો બહુ મોટુ સુખ આપે છે. ગામના સરપંચ, યુવાનો બધા લોકોએ ભોગા મળીને ગામમાં નાનુ જંગલ બનાવુ જોઇએ જેમ બાળકના જન્મ બાદ તેનો ઉછેર કરવામાં આવે તેમ વક્ષોને પણ વાવ્યા પછી ઉછેર કરવો જોઇએ.આપણે બધાએ આવો સંકલ્પ લેવો જોઇએ. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના આંગણમાં મહાનુભાવોના હસ્તે વ્રુક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વી.પી. ચોવટીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડાયરેકટર ઓફ એકસટેન્શન એજ્યુકેશન ડો. બી.કે. સગારકા, જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, પોલીસ અધિક્ષકશ્રી એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી એસ. જે. ખાચર, કૃષિ વૈજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક સર્વે શ્રી ડો. હેમાંગીબેન મહેતા, ડો. સરડવા, ડો.હિરપરા, ડો. સિપાહી, મદદનિશ વન સંરક્ષક એસ.કે. કોટડીયા, ભાજપ અગ્રણી દુલર્ભજીભાઇ દેથરીયા સહિતના અગ્રણીઓ ૭૧માં વન મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી થયા હતા.