મોરબી: ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા નક્કી થયા મુજબ મોરબી જિલ્લા મજદુર સંઘ પડતર પ્રશ્નોને લઈને આગામી તારીખ 12 સપ્ટેમ્બર ને સોમવાર તેમજ 19 સપ્ટેમ્બર ને સોમવાર એમ બે દિવસે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પાઠવશે. વિવિધ ઉદ્યોગોમાં ફરજ બજાવતા સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના ઘણા લાંબા સમયથી સરકાર કક્ષાએ પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા મોરબી જિલ્લા મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 12 સપ્ટેમ્બર ને સોમવાર તેમજ 19 સપ્ટેમ્બર ને સોમવારના રોજ સાંજે 5 થી 6 દરમિયાન જિલ્લા કલેકટર કચેરી, સેવા સદન-1, મોરબી ખાતે આંગણવાડી, મધ્યાન ભોજન, બંદરખાતાના, એસ.ટી., ઔદ્યોગિક સુરક્ષાદળ, પાણી પુરવઠા બોર્ડ, જેટકો વગેરેમાં ફરજ બજાવતા કર્મચારીઓને નિવૃત્ત પેન્શનરો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પેન્શનરોને હાજર રહેવા મોરબી જિલ્લા મજદૂર સંઘના મંત્રી વી. જે. સુમળ દ્વારા જણાવવામાં આવ્યું છે.