મોરબી: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરાયેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR) ના સમયપત્રક બાદ, આ કામગીરીમાં જોડાયેલા શિક્ષકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘે મહત્ત્વની રજૂઆત કરી છે. સંઘે માંગ કરી છે કે બૂથ લેવલ ઓફિસર (BLO)ની ફરજ બજાવતા શિક્ષકોને શાળાના સમય દરમિયાન 'ઓન ડ્યુટી' ગણવા માટે આદેશ કરવામાં આવે.મુખ્ય ચૂંટણી કમિશનરની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલ SIR કાર્યક્રમ મુજબ તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન BLO દ્વારા ઘરે ઘરે ફરીને મતદારોના ફોર્મ ભરાવવામાં આવશે. તેમજ તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધિ કરાશે. તા. ૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી નાગરિકો સુધારા માટે દાવો કરી શકશે. દાવાઓની સુનાવણી અને પ્રમાણિકરણ તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા થશે. ત્યારબાદ આખરી મતદાર યાદી તા. ૦૭/૦૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરાશે. આ પ્રક્રિયામાં તા. ૦૧/૦૧/૨૦૦૨ ને લાયકાતની તારીખ તરીકે ગણવામાં આવશે. નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના ૧૨ દસ્તાવેજો માન્ય ગણાશે. આ ઝુંબેશનો ઉદ્દેશ મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા આપવા ઉપરાંત પ્રતિ બૂથ 1200 મતદારોની પહેલના ભાગરૂપે બૂથ રેશનલાઇઝિંગ કરીને એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે.મહાસંઘે ડેપ્યુટી કલેકટર પ્રવિણસિંહ જૈતાવત સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર જઈને મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી શાળા સમય બાદ કરવાની સૂચના છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં આ કામગીરી કરવી અત્યંત કઠિન અને મુશ્કેલ છે. શાળાનો સમય સવારના ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ સુધીનો હોય છે અને શિયાળામાં દિવસ ટૂંકો હોય છે, જેથી શાળાની ફરજ અને BLOની ફરજ એકસાથે અસરકારક રીતે કરવી શક્ય નથી. ઘણા શિક્ષકોને તેમના નોકરીના સ્થળને બદલે વતનના મતદાર યાદીમાં નામ હોવાને કારણે ત્યાંના બૂથની કામગીરી સોંપાયેલી છે. નોકરીના સ્થળથી BLOની કામગીરીનું સ્થળ ઘણું દૂર થતું હોવાથી શાળા સમય બાદ ત્યાં પહોંચીને કામગીરી કરવી અશક્ય છે.BLOની કામગીરીમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયેલી છે. તેમને સવારે અને સાંજે ઘરકામની જવાબદારીઓ હોય છે, જેના કારણે સવાર-સાંજ ડોર ટુ ડોર જવું તેમના માટે વ્યવહારુ નથી. શૈક્ષિક મહાસંઘે આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી કલેકટરને વિનંતી કરી છે કે તેઓ તેમની કક્ષાએથી BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને 'ઓન ડ્યુટી' ગણવા માટેનો આદેશ કરે, જેથી શૈક્ષણિક કાર્યને નુકસાન પહોંચાડ્યા વિના ચૂંટણી પંચની આ મહત્વપૂર્ણ કામગીરી સરળતાથી પૂર્ણ થઈ શકે.