મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટી, મોરબી જિલ્લા દ્વારા ગઈ કાલે, તા. 12/10/2025, રવિવારના રોજ નીલકંઠ વિદ્યાલય ખાતે 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત 'હર ઘર સ્વદેશી - ઘર ઘર સ્વદેશી' વિષય પર જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યશાળામાં વક્તા તરીકે પંકજભાઈ મહેતા (પૂર્વ ધારાસભ્ય - રાપર, કચ્છ) અને રાજુભાઈ ધ્રુવ (પૂર્વ ચેરમેન - પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ) દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશના વિકાસમાં આત્મનિર્ભરતાના સંકલ્પને દ્રઢ કરવો અને દરેક નાગરિક સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે, તે અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.ભારતીય જનતા પાર્ટીએ 90 દિવસનો એક કાર્યક્રમ સમગ્ર દેશની અંદર શરૂ કર્યો છે. આ અભિયાન પંડિત દીનદયાળજીની જયંતિથી શરૂ કરીને અટલજીની જયંતિ સુધી, એટલે 90 દિવસ સુધી, સમગ્ર દેશની અંદર ચાલવાનું છે. 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' એવા નારા સાથે આત્મનિર્ભર ભારત અભિયાન દેશની અંદર પ્રત્યેક જિલ્લા, પ્રત્યેક ગામ અને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ છે.કાર્યશાળામાં આત્મનિર્ભર ભારતની જરૂરિયાત, વિવિધ ક્ષેત્રોમાં તેની ભૂમિકા અને સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લેવા જેવી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતાં જણાવાયું હતું કે જે કાર્યકર્તાઓ આ અભિયાન લઈને એક-એક ગામમાં જવાના છે, તેઓ વિષયને સમજે, મનમાં ઉતારે, પોતે અનુકરણ કરે અને ત્યાર પછી એ સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે, તે માટે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં જિલ્લાના પાર્ટીના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લાના બંને ધારાસભ્ય અને સૌ આગેવાનો તેમજ સમગ્ર જિલ્લામાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.