જામનગર બાદ રાજકોટ જિલ્લામાં પણ દુધાળા પશુઓમાં લમ્પી વાયરસ દેખાતા રસી ખરીદવા તૈયારી મોરબી : છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં દુધાળા પશુઓ અને ખાસ કરીને ગાયોમાં લમ્પી વાઇરસ એટલે એલએસડીનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પશુપાલન વિભાગ પણ એલર્ટ બન્યો છે અને આ માટે જરૂરી રસી ખરીદ કરવા તૈયારીઓ શરૂ કરી છે. સામાન્ય રીતે ગાય અને દુધાળા પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસ રોગને ગ્રામ્ય સ્તરે ગાંઠિયો તાવ પણ કહેવામાં આવે છે. ગોટપોક્સ નામનો આ વાઇરસ પશુઓમાં કઇ રીતે પ્રવેશે છે તે અણ ઉકેલ પ્રશ્ન છે. આ વાઇરસથી પશુઓમાં તાવ આવવો, શરીરે ફોડલા થવા, ખોરાક ઘટી જવો, દૂધનું ઉત્પાદન ઘટવું સહિતની સમસ્યાઓ જોવા મળે છે. હાલમાં મોરબી જિલ્લા પશુપાલન વિભાગના ડો.કટારાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ત્રણેક શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા પરંતુ તે પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો ન હતો આમ છતાં હાલમાં લમ્પી વાયરસ સામે સુરક્ષા આપતી રસી ખરીદવા સરકારની મંજૂરી મળી ગઈ છે અને જિલ્લાના પશુઓ માટે પૂરતો સ્ટોક ખરીદી કરાશે.