કોલસાની પેઢી ખોલીને વેચેલા કોલસાનો ટેક્સ ન ભરીને સરકારને ચુનો લગાવ્યો હતો : કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દેતા ધરપકડનો માર્ગ મોકળો મોરબી : મોરબીમાં થોડા સમય પહેલા રૂ. 130 કરોડના ટેક્સની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બહાર રાજ્યના ચાર શખ્સોએ મોરબીમાં જે તે સમયે કોલસાની પેઢી ખોલીને કોલસાના ખરીદ વેચાણના ટેક્સ સરકારને ન ચૂકવીને સરકારી તિજોરીને નુકશાન કર્યું હતું. આ કેસમાં એક વગદાર આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીન માટે કોર્ટનું શરણું લીધું હતી. પણ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસની પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસો પહેલા મોરબીના વેરા વાણિજ્ય વિભાગના અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે હાલ હૈદરાબાદ અને બેગ્લોર રહેતા સુવી એસ નારંગ, ચંદુલાલ હરજીભાઈ પટેલ, યુનુસ જીઆઉલા શેરીફ, રુદ્રરાજુ શ્રીનિવાસ શાહ નામના ચારેય આરોપીઓએ ભાગીદારીમાં વર્ષ 2009થી 2016 સુધીમાં મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર સીરામીક પ્લાઝાની એક દુકાનમાં ક્યોંરી ઓરેમીન લિમિટેડ નામની કોલસાની પેઢી ખોલી હતી. આ કોલસાના વેપાર માટે સરકારને ચૂકવવાના ટેક્સ માટે પણ જે તે સમયે વેટ કાયદા હેઠળ અને કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી કરાવી હતી. પણ સરકારને વેટ અને સીએસટી ટેક્સ ચૂકવ્યો જ ન હતો. આરોપીઓએ વર્ષ 2009થી 2016 દરમ્યાન કોલસાનું ખરીદ-વેચાણ કર્યું હતું. તેનો સરકારને રૂ. 130 કરોડનો ટેક્સ ન ભરીને ચુનો લગાવ્યો હતો. આથી, કેસની પોલીસ ટેક્સ વિભાગને સાથે રાખીને તપાસ કરી રહી છે. ત્યારે ધરપકડથી બચવા આરોપી ચંદુલાલ હરજીભાઈ પટેલે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.