મોરબી : મોરબીની કુંભાર શેરીમાં પાંજરાપોળ સહિત ઘણી ઇમારતો જોખમી હાલતમાં છે આવી જોખમી ઇમારતોથી આવનારા ચોમાસાને અનુલક્ષીને સત્વરે કાર્યવાહી કરવાની માંગ કરતી એક અરજી મોરબી ચીફ ઓફિસરને કુંભારશેરીના એક જાગૃત નાગરિકે કરી છે. ત્રિભોવનભાઈ મોહનભાઇ ચાવડાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને કુંભારશેરીમાં જોખમી બની ગયેલી ઇમારતો વિશે જાણ કરીને ત્વરિત સ્થળ તપાસ કરી આ ઇમારતો દૂર કરી સુરત જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એ માટે અરજ કરી છે. આ બાબતે ત્રિભોવનભાઈએ કુંભારશેરીમાં પ્રવેશ અને બહાર જવાના સાંકડા રસ્તાનો હવાલો આપીને જો કોઈ દુર્ઘટના ઘટે તો બચાવ ટીમને ક્યાં પ્રકારની અસુવિધા ઉભી થઇ શકે છે એ બાબતે વિગતે ચિતાર આપ્યો છે. વધુમાં ત્રિભોવનભાઈએ આ વિસ્તારમાં રહેતા અમુક આસામીઓએ ગેરકાયદે મેળવી લીધેલા નળ કનેક્શન અંગે પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. ડાયરેકટ મેઈન ગટરમાં ઘરનું ડ્રેનેજ કનેક્શન મેળવેલા આસામીનો નામ જોગ ઉલ્લેખ કરી સ્થળ તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા જણાવ્યું છે.