મોરબી જિલ્લા યુવા ટીમે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું મોરબી : સુરતના એક ખાનગી ટ્યુશનમાં સર્જાયેલી અગ્નિકાંડની દુર્ઘટના 21થી વધુ નિર્દોષ બાળકોના મોત થતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે.ત્યારે મોરબી જિલ્લા યુવા ટીમે જિલ્લા કલેકટરને આવેદન આપી સુરતની ગોઝારી દુર્ઘટનાના તમામ જવાબદારો સામે દાખલા રૂપ કડક કાર્યવાહી કરવા તથા ફરી પાછી આવી ઘટના ન બને તે માટે રાજ્યમાં ફાયર સેફટી વિહોણી તમામ ઇમારતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મોરબી જિલ્લા યુવા ટીમે આજે જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે , સુરત શહેરમાં આવેલા ખાનગી તક્ષશિલા ટ્યુશન ક્લાસિસમાં તાજેતરમાં અગ્નિકાંડની દુર્ઘટના સર્જાય હતી જેમાં 21થી વધુ બાળકોની જિંદગી અગ્નિકાંડમાં હોમાઈ ગઈ હતી. સુરતની આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ઉગ્ર આક્રોશ સાથે આઘાતની લાગણી ફરી વળી છે અને ઠેર ઠેર હતભાગી બાળકોના આત્માની સળગતી માટે ભારે હૈયે શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. સુરતમાં જે ઘટના બની તેનાથી ફલિત થાય છે કે, સરકાર માટે માનવજીવનનું કોઈ મહત્વ નથી.સરકાર છાશવારે પોતાની સરખામણી વિદેશ સાથે કરે છે.પણ વિદેશોમાં નાગરિક અધિકારોનું કેવી રીતે જતન કરાઈ છે.તેનામાંથી આપણી સરકાર બોધપાઠ લેતી નથી .જ્યારે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તપાસ સમિતિનું નાટક કરાઈ છે.થોડા સમય તપાસનું નાટક કર્યા બાદ ફરી જેસે થે જેવી જ સ્થિતિ સર્જાઈ જાય છે.એથી આવી દુર્ઘટનાનો અંત આવતો નથી.કમનસીબે નિર્દોષ નાગરિકોને ભોગ લેવાતો રહે છે ત્યારે ખરેખર સરકારે સુરતની ઘટનામાં ગંભીરતા દાખવીને તમામ જવાબદારો સામે દાખલા રૂપ કડક કાર્યવાહી કરવી જોઈએ.તેમજ રાજ્યમાં ખાનગી ટ્યુશન, શાળા કે હોસ્પિટલ, મોલ જેવી બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી ન હોય તો એ તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.