પત્રકાર સુરેશ ગોસ્વામીના બે પુત્રો સહિત ૧૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે : સંતો-મહંતો, રાજકીય, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સોના-ચાંદીના દાગીના સહિત દાતાઓ તરફથી ૮૨ વસ્તુઓ કરિયાવરમાં અપાશે મોરબી : મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા 4 ફેબ્રુઆરીને મંગળવારે દ્વિતીય સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામધન આશ્રમ મોરબી 2 ખાતે આયોજિત આ સમૂહલગ્નમાં મોરબીના જાણીતા પત્રકાર સુરેશભાઈ ગૌસ્વામીના બે પુત્રો સહિત કુલ 11 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. તારીખ 4 ફેબ્રુઆરીને મંગળવારે સવારે 06 કલાકે જાન આગમન, સવારે 07:30 કલાકે જાનના સામૈયા, સવારે 10:00 કલાકે હસ્તમેળાપ, 10:30 કલાકે આશીર્વચન, બપોરે 12:30 કલાકે સમૂહ મહાપ્રસાદ અને બપોરે 2:00 કલાકે જાન વિદાય સહિતના પ્રસંગો યોજાશે. સામાકાંઠે, મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમની બાજુમાં આયોજિત આ સમૂહલગ્નમાં સમાજના દાતાઓ તરફથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ 82 ગૃહઉપયોગી ચીજ-વસ્તુઓ કન્યાને કરીયાવરમાં આપવામાં આવનાર છે. ઉપરોક્ત આયોજિત સમૂહલગ્નમાં મોરબી શહેરમાં વસતા ગોસ્વામી સમાજના જ્ઞાતિજનો માટે આવકનો દાખલો કાઢી આપવાનું તેમજ મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડ કાઢી આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટેના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા આયોજકોએ અપીલ કરી છે. ગોસ્વામી સમાજના આ દ્વિતીય સમૂહલગ્ન સમારોહમાં સંતો-મહંતો સહિત સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાતમાં વસતા સમાજના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. સમુહલગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ અમીતગીરી ગુણવંતગીરી, ઉપપ્રમુખ દિલીપગીરી, મંત્રી બળવંતગીરી તેમજ નિતેષગીરી, તેજશગીરી સહિતના સભ્યો, ટ્રસ્ટીઓ અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.