લગ્ન પ્રસંગે દારૂ પી ડીંગલ કરી રહેલા શખ્સને ટપારતા મામલો ગરમાયો મોરબી : મોરબીમા લગ્ન પ્રસંગમાં દારૂ પી ડીંગલ કરી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડનાર યુવાનને દારૂડિયાએ છરી હુલાવી દેતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માધાપર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં શબીર નામનો શખ્સ દારૂના નશામાં ચકચૂર બની બેફામ ગાળા - ગાળી કરતો હોય લગ્નમાં જમવા ગયેલા હુસેન યુસુફ બેલીમ ઉ. ૨૦, રે.સિપાઈ વાસ, ગઢની રાંગ પાસે વાળાએ આરોપી શબીરને ગાળો નહીં બોલવા ટપારતા શબીર ઉશ્કેરાઈ ગયો હતો અને હૂશેનને છરી હુલાવી દેતા લગ્ન પ્રસંગમાં અફડા તફડી મચી ગઇ હતી. વધુમાં છરી વડે હુમલો થતા ઇજાગ્રસ બનેલા હુસેનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે રાજકોટ પોલીસે પ્રાથમિક કાગળો મોકલતા મોરબી પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.