સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતા આ પુલ પર કરેલા થુંકના સાંધા વરસાદમાં ધોવાયા, પુલ ઉપર સળિયા દેખાયા, મોટા ખાડાઓના કારણે અકસ્માતનું જોખમ મોરબી : સૌરાષ્ટ્ર-કચ્છને જોડતા મહત્વના હાઇવે પર મોરબીના નવલખી બાયપાસ પર આવેલા મચ્છુ નદી ઉપરના પુલની હાલત વધુ જોખમી હાલત થઈ ગઈ છે. અગાઉ ખાડાઓની યોગ્ય મરમત્ત કરવાને બદલે માત્ર થુંકના સાંધા જ કરવા જેવી ઉપરછલ્લી કામગીરી કરાઈ હતી. ત્યારે સતત વરસાદમાં થુંકના સાંધા ધોવાઈ જતા ફરી ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. તેમજ આ પુલ ઉપર સળિયા દેખાવા લાગ્યા છે અને તિરાડો પણ પડી ગઈ છે. પુલ પરની આવી ગંભીર હાલતને કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાય છે. તેમજ સતત ટ્રાફિકજામ થાય છે. આથી, આ બાબતે તંત્ર વહેલાસર યોગ્ય પગલાં ભારે તેવી માંગ ઉઠી છે.મોરબીના નવલખી બાયપાસ પુલ ઉપર 40 થી 50 ટન ધરાવતા ભારે વાહનો પસાર થાય છે. આ પુલ ઉપર અસામાન્ય વાહન ઘસારો રહે છે. પણ પુલની અત્યંત ખરાબ હાલત છે. જેમાં પુલના રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા હતા. થોડા સમય અગાઉ આ ખાડાનું બુરાણ કરવામાં આવ્યું હતું. પણ ખાડાઓની યોગ્ય રીતે મરમત્ત ન કરતા છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદથી પુલ પરનો રોડ એકદમ ધોવાઈ ગયો હતો અને ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. પુલ પર એટલી હદે ખાડા પડયા છે કે અહીંથી વાહન લઈને નીકળવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ખાડાઓના કારણે વાહનો નીકળતી વખતે કથ્થક નૃત્ય કરતા હોય તેમ વાહનો આખા હાલક ડોલક થઈ જાય છે. આ પુલ એટલી હદે જર્જરીત થઈ ગયો છે કે રોડ ઉપર સળિયા બહાર આવી ગયા છે અને તિરાડો પડી ગઈ છે. પુલની આવી ખરાબ હાલતને કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાય છે. તેમજ ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. જેથી હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી, કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં સંબધિત તંત્ર આ પુલની ગંભીર હાલત સુધારવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.