નટરાજ ફાટકથી લઈ માળીયા ફાટક સુધી રેલી, ચક્કાજામ : મુખ્યમંત્રીના પોસ્ટર સાથે વિરોધ મોરબી : પાટણ આત્મવિલોપન કાંડમાં આજે ફરી મોરબીના સમસ્ત દલિત સમાજ દ્વારા નટરાજ ફાટકથી માળીયા ફાટક સુધી રેલી યોજી મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પાટણમાં દલિત પ્રૌઢને ન્યાય ન મળતા કરેલા આત્મવિલોપનના વિરોધમાં ગઈકાલે મોરબીના નટરાજ ફાટકે ચક્કાજામ કરાયા બાદ આજે સવારથી ફરીથી દલિત સમાજ મોરબીની આગેવાની હેઠળ નટરાજ ફાટક ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો. વધુમાં આજે મોરબીના દલિત સમાજ દ્વારા નટરાજ ફાટકે ચક્કાજામ કરવાની સાથે સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પોસ્ટર દેખાડી મુખ્ય મંત્રી હાય - હાય ના નારા લગાવી માળીયા ફાટક સુધી રેલી કાઢવામાં આવી હતી અને ઘટનાના વિરોધમાં આક્રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દલિત સમાજ મોરબી દ્વારા ચક્કાજામ કરવામાં આવતા વાહનોના થપ્પા લાગ્યા હતા અને બીડીવીઝન પોલીસ, એલસીબી, એસઓજી, સહિતની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને દલિત કાર્યકરોની અટકાયત કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.