મોરબી: મોરબી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમે 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત સાયબર ફ્રોડ કેસમાં ગયેલ નોંધપાત્ર રકમની રિકવરી કરીને ફરિયાદીને પરત અપાવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબીને સોંપવામાં આવી હતી, જેમાં ફરિયાદીની કંપનીને 71,45,616/-નું નુકસાન થયું હતું.મળતી માહિતી મુજબ ફરિયાદીની 'બોન્ઝા વિટ્રીફાઇડ કંપની'નું બોગસ ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ગઠિયાઓએ ભારત સરકારના ICEGATE પોર્ટલમાં યુઝર રજીસ્ટર કરાવ્યું હતું. ત્યારબાદ, આ બોગસ આઈડી દ્વારા સરકારી રોડટેપ સ્ક્રીપ નંગ-29ની કુલ કિંમત રૂ. 71,45,616 ની છેતરપીંડી આચરવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ રાજ્યોમાં ઝીણવટભરી તપાસ કરીને ગુનાના કામે રૂ. 41,81,680ની માતબર રકમ રિકવર કરી આજે, તારીખ 19/12/2025ના રોજ, ફરિયાદીને 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત પરત અપાવવામાં આવી છે.