મોરબી : મોરબીના અમુક ગ્રામ્ય વિસ્તારમાં હાલ લોકડાઉનના સમયમાં લોકો સમય પસાર કરવા માટે ક્રિકેટ રમતા જોવા મળે છે. મોરબીના ઘણા ગામોમાં આવા દ્રશ્યો નજરે પડે છે. ક્રિકેટ, વોલીબોલ જેવી રમતો રમવા લોકો એકત્ર થાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે મનોરંજન જરૂરી છે કે ક્રિકેટ? સરકારે લોકડાઉન કર્યું છે. તો તેને માત્ર દેખાતી રીતે પાળવાનું નથી. આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે પાળવાનું છે. આ રોગને માત્ર ઘરમાં બેસીને જ મહાત આપી શકાય છે તો આપણે એટલું પણ ન કરી શકીએ! કામ વગર બહાર નીકળવાથી આપણે આપણી જાતના જ નહીં પણ આપણા પરિવારના અને સર્વ સમાજના આરોગ્ય ઉપર જોખમ ઉભુ કરીએ છીએ. સીટી એરિયામાં તો પોલીસ પેટ્રોલીંગ કરતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરપંચ, તલાટી તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓએ લોકોને સમજાવીને રમતો રમવા માટે એકત્ર થતા અટકાવવા જોઈએ. બીજી બાજુ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે.