મોરબી: મોરબીની એડિશનલ સીનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સખત કેદ અને ચેકની રકમથી બમણી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.મળતી માહિતી મુજબ ફરિયાદી મનીષાબેન હરસુખભાઈ હળવદીયા અને આરોપી કૌશિકભાઈ બાબુભાઈ ગોહેલ વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. આરોપીએ આઠ મહિના પહેલા અંગત જરૂરિયાત માટે ફરિયાદી પાસેથી કટકે-કટકે કુલ રૂ. ૧,૧૦,૦૦૦ હાથઉછીના લીધા હતા. આ રકમ પરત કરવા માટે આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા 'ફંડ ઇનસફીસીયન્ટ' (ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવા)ના શેરા સાથે પરત ફર્યો હતો.ચેક રિટર્ન થયા બાદ ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં રકમ પરત ન મળતા, મોરબી કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. કેસની કાર્યવાહી દરમિયાન ફરિયાદી પક્ષે વકીલ ડી.આર. અગેચણીયા મારફતે મૌખિક અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આરોપી લાંબા સમયથી કોર્ટમાં ગેરહાજર રહેતા હોવા છતાં, નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો જાહેર કર્યો હતો.બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને લઈ કોર્ટે આરોપી કૌશિકભાઈ ગોહેલને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ ચેકની રકમ રૂ. ૧,૧૦,૦૦૦ ની ડબલ રકમ એટલે કે કુલ રૂ. ૨,૨૦,૦૦૦ નો દંડ તથા ચેકની મૂળ રકમ પર વાર્ષિક ૯% ના સાદા વ્યાજ સાથે વળતર ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ ૯૦ દિવસની કેદની સજાનો પણ આદેશમાં ઉલ્લેખ કરાયો છે.આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ ડી.આર. અગેચણીયા, જે.ડી. અગેચણીયા, રવિ ડી. ચાવડા, મહેશ્વરી મકવાણા, ક્રિષ્નાબેન અને કનૈયાલાલ બાવરવા રોકાયેલા હતા.