મોરબી : મોરબી કોર્ટે ચેક રિટર્નના કેસમાં વધુ એક મહત્ત્વનો ચુકાદો આપીને નાણાકીય વ્યવહારોમાં બેદરકારી રાખનારાઓને સખત સંદેશ આપ્યો છે. કોર્ટે આરોપીને ચેકની રકમ કરતા બમણી રકમ અને 1 વર્ષની જેલની સજા ફટકારી છે. કેસની વિગતો અનુસાર, ફરિયાદી સંદીપભાઈ જગદીશભાઈ શેરસીયા (રહે. મોરબી)એ સપ્ટેમ્બર 2022માં આરોપી અનિલ માવજીભાઈ ડાભી (રહે. મોરબી)ને હાથ ઉછીના પેટે રૂ. 5,00,000/- (પાંચ લાખ રૂપિયા) આપ્યા હતા. આ રકમ પરત કરવા માટે આરોપીએ ફરિયાદીને રૂ. 5,00,000નો ચેક આપ્યો હતો. જ્યારે ફરિયાદીએ આ ચેક વસૂલાત માટે બેંકમાં રજૂ કર્યો, ત્યારે ચેક વણચૂકવ્યે પરત (રિટર્ન) થયો હતો. ચેક રિટર્ન થયા બાદ ફરિયાદીએ આરોપીને કાયદેસરની નોટિસ આપી હોવા છતાં, આરોપીએ રકમ ચૂકવી નહોતી. આથી, ફરિયાદી સંદીપભાઈએ આરોપી અનિલ માવજીભાઈ ડાભી વિરુદ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.આ કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદી પક્ષે રજૂ કરાયેલા સચોટ પુરાવાઓ, ધારદાર દલીલો અને નામદાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને, મોરબીના મહે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એસ.એ.મેમણે આરોપી અનિલ માવજીભાઈ ડાભીને એક વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમથી બમણી રકમ 10,00,000 નો દંડ ફટકાર્યો છે. તેમજ ફરિયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ પર વાર્ષિક 9 % વ્યાજ વળતર પેટે ચૂકવવાનો આદેશ. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે જો આરોપી દંડ અને વ્યાજની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેને વધારાના 90 દિવસની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ, રવી કે. કારીયા, મનીષ કે. ભોજાણી, દયારામ એલ. ડાભી અને અતુલ સી. ડાભી રોકાયેલા હતા.