હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કિસ્સામાં કોર્ટે ગુન્હો સાબિત માની બે અલગ - અલગ સજા ફટકારી મોરબી : મોરબી માતાની મિલકતમાં ભાગ બટાઈ પ્રશ્ને સગા બેન - બનેવી પર હુમલો કરવાના કેસમાં અદાલતે ગુન્હો સાબિત માની બે અલગ - અલગ ગુન્હામાં આરોપીને છ માસ અને એક વર્ષની સજા તેમજ એક હજાર રૂપિયાનો દંડ ફટકારતા ગુન્હેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આ કેસની વિગત જોઈએ તો મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા રામજીભાઈ ભીખાભાઇ ધામેચા અને તેમના પત્ની ગીતાબેન પર તા. ૧૮-૫-૨૦૧૪ ના રોજ ગીતાબેનના ભાઈ અશોકભાઈ ઉર્ફે હનીફ ઇબ્રાહિમ બ્લોચે તેના માતાની મિલકતમાં ભાગ માંગી ઝઘડો કરી ગીતાબેન અને શામજીભાઈ પર હિંસક હુમલો કરી માર માર્યો હતો. જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ રેહાના એ.ગોરીની ધારદાર દલીલોને આધારે આરોપીને આઇપીસી કાયદાની જુદી - જુદી કલમો મુજબ બે અલગ અલગ સજામાં એક માં છ માસ અને બીજામાં એક વર્ષની સજા તેમજ રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો.