મોરબી સિવિલમાં દાખલ શંકાસ્પદ લક્ષણો ધરાવતા 34 વર્ષના યુવાનના આજે વહેલી સવારે લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે એક સાથે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં રવાપરના પોઝિટિવ દર્દીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્યારે ગઈકાલે બુધવારે લેવાયેલા 56 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે આજે ગુરુવારે રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના 3 પરિવારજનો અને તેમના 2 સહ કર્મી તેમજ એક શંકાસ્પદ દર્દી સહિત આજે પણ કુલ 56 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ બુધવારે લેવાયેલા તમામ 56 લોકોના સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. જ્યારે મંગલવારે મોડી સાંજે કોરોના પોઝિટિવ જાહેર થયેલા રવાપર ગામમાં રહેતા બેંકના કેશિયર હેમાંગભાઈ વજરીયાનું રાજકોટ ટૂંકી સારવાર દરમિયાન કોરોનાના કારણે મૃત્યુ નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. જેના પગલે આજે આરોગ્ય વિભાગ દ્વારા રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના 3 પરિવારજનો અને તેમની સાથે સરદાર બાગ સામેની એસબીઆઈ બેંકમાં કામ કરતા બે સહ કર્મીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે આ ઉપરાંત મોરબીના શહેરના 34 વર્ષના અન્ય એક યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના આજે વહેલી સવારમાં સેમ્પલ લેવાયા આવ્યા હતા. જેનો આજે મોડી સાંજે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે આજે મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 50 લોકોના કોરોના ટેસ્ટ માટે સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આમ આજે લેવાયેલા કુલ 56 સેમ્પલને જામનગર લેબમાં મોકલાયા છે. જેમાંથી સિવિલમાં દાખલ શંકાસ્પદ દર્દી એકનોરિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. જ્યારે બાકીના રિપોર્ટ કાલે શુક્રવારે સાંજ સુધીમાં આવશે.